Jamnagar: જામનગરમાં ગણેશ વિસર્જન વખતે કરુણાંતિકા સર્જાઈ હોવાનો બનાવ સામે આવ્યો છે. જેમાં નાધેડી ગામ નજીક તળાવમાં વિસર્જન વખતે પિતા અને બે સંતાનો ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. ફાયર બ્રિગેડ દ્વારા ત્રણેયના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, શહેરના રામેશ્વરનગરમાં રહેતા પ્રિતેશ રાવલ (36) પોતાના બે પુત્રો સંજય (16) અને અંશ (4) સાથે નાઘેડી વિસ્તારમાં પોદ્દાર સ્કૂલ નજીકના તળાવમાં ગણેશ વિસર્જન કરવા ગયા હતા. આ દરમિયાન ત્રણેય જણાં તળાવના ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા.
આ પણ વાંચો
આ બાબતની જાણ થતાં પંચકોશી બી-ડિવિઝનની પોલીસ ટીમ તેમજ જામનગર મનપાની ફાયર બ્રિગેડની ટીમ સહિતનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. જે બાદ ફાયર બ્રિગેડની ટીમે તળાવમાંથી પિતા અને બન્ને બાળકોના મૃતદેહ બહાર કાઢ્યા હતા. હાલ તો પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે જામનગરની જી.જી હોસ્પિટલમાં ખસેડી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
