Ahmedabad News: કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહના હસ્તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઉત્તર પશ્ચિમ ઝોનના ચાંદલોડિયા વોર્ડમાં રૂ. 3.76 કરોડના ખર્ચે અર્બન હેલ્થ સેન્ટર અને ગોતા વોર્ડમાં રૂ. 3.84 કરોડના ખર્ચે અર્બન હેલ્થ સેન્ટર તેમજ લાલદરવાજા પાસે રૂ. 12 કરોડના ખર્ચે પુનઃવિકસિત કરાયેલ 'સરદારબાગ'નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ સાથો સાથ મિશન ફોર મિલિયન ટ્રી' અને 'એક પેડ માં કે નામ' અભિયાન અંતગર્ત નવા વાડજ તેમજ રાણીપ વિસ્તાર અને ઘાટલોડિયા વોર્ડમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ કરાયું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઉત્તર પશ્ચિમ ઝોનના ચાંદલોડિયા વોર્ડમાં રૂ. 3.76 કરોડના ખર્ચે તૈયાર થયેલું અર્બન હેલ્થ સેન્ટર સ્થાનિકોની આરોગ્ય સંભાળ અને જન સુખાકારી ક્ષેત્રે મહત્વનું સેન્ટર સાબિત થશે. અર્બન હેલ્થ સેન્ટરમાં જનરલ મેડીકલ ઓ.પી.ડી. સેવાઓ, આયુષ્માન ભારત અંતર્ગત PM JAY કાર્ડ, આભા કાર્ડ, પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના, જનની સુરક્ષા યોજના સાથે સ્ત્રી રોગ અને બાળ રોગ સહિતની અન્ય તમામ આરોગ્ય વિષયક યોજનાની સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે.

ગોતા વોર્ડમાં રૂ. 3.84 કરોડના ખર્ચે નવનિર્મિત અર્બન હેલ્થ સેન્ટરમાં જનરલ મેડીકલ ઓ.પી.ડી. સેવાઓ, આયુષ્માન ભારત અંતર્ગત PMJAY કાર્ડ, આભા કાર્ડ, પ્રાધાનમંત્રી માતૃ વંદના યોજના, જનની સુરક્ષા યોજના સાથે અન્ય તમામ આરોગ્ય વિષયક યોજનાની સેવાઓ ઉપલબ્ધ થશે. આ ઉપરાંત, સ્ત્રી રોગના નિષ્ણાત (ગાયનેક) ડોકટર દ્વારા સગર્ભા સ્ત્રીઓ, ધાત્રી માતાઓ તથા સ્ત્રી રોગનું નિદાન અને સારવાર તથા રેફરલ સેવાઓ, નવજાત શિશુ અને બાળકોની બાળરોગના નિષ્ણાત દ્વારા તપાસ, નિદાન, સારવાર અને રેફરલ સેવાઓ; સગર્ભા સ્ત્રીઓ તથા બાળકોના રસીકરણને લગતી સેવાઓ તથા પ્રસુતિ સેવાઓ અને કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકારના આરોગ્યલક્ષી કાર્યક્રમોનો સમાવેશ થાય છે.
શહેરના જમાલપુર વોર્ડમાં લાલદરવાજા સ્થિત 'સરદારબાગ'નું રૂ. 12 કરોડના ખર્ચે પીપીપી ધોરણે યુ.એન.મહેતા ફાઉન્ડેશન દ્વારા નવીનીકરણ કરવામાં આવ્યું છે. પુન:નિર્માણ કરાયેલા સરદારબાગની વિશેષતા વિશે વાત કરીએ તો, 26100 ચો.મી. વિસ્તારમાં તૈયાર કરાયેલ સરદારબાગમાં 630 જેટલા વૃક્ષો અને 72000 જેટલા છોડ રોપવામાં આવ્યા છે.

આ ઉપરાંત આકર્ષક એન્ટ્રીગેટ સાથે નયનરમ્ય ફાઉન્ટેન અને સુંદર બેઠક વ્યવસ્થા, સાધનો સાથે ઓપનજિમ એરિયા, લોન વાળો ઓપન યોગ એરિયા, બાળકો માટે રમતગમતના સાધનો તૈયાર કરવામાં આવ્યા છે. વધુમાં, વોકિંગ અને રનિંગ ટ્રેક, યુટિલિટી એરિયા, પીવાના પાણીની સુવિધા, વરસાદી પાણી જમીનમાં ઉતારવા પરક્વોલેશન વોલ અને રોઝ બેડ એરિયા સહિતના વિવિધ આકર્ષણોથી સભર સરદારબાગ તૈયાર કરાયો છે.
વૃક્ષો પર્યાવરણ અને વાતાવરણ શુદ્ધિ માટે મહત્વનો ભાગ ભજવે છે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરવામાં આવેલ ‘એક પેડ મા કે નામ’ માતાના નામે એક વૃક્ષ વાવવાના સંકલ્પથી શરૂ થયેલ ઘનિષ્ઠ વૃક્ષારોપણ અભિયાનમાં ઘાટલોડિયા વોર્ડમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આયુષ્ય વનમાં આ વૃક્ષારોપણ કાર્યક્રમ પણ યોજાયો હતો.