Vadodara: વડોદરામાં આજે બપોરથી આવેલા દોઢ ઇંચ જેટલા વરસાદે શહેરની વ્યવસ્થા ધ્વસ્ત કરી નાખી છે. વરસાદ શરૂ થતાં જ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની ગંભીર પરિસ્થિતિ સર્જાઈ છે. ખાસ કરીને ચાર દરવાજા, રાવપુરા, માંડવી અને ન્યાય મંદિર વિસ્તારો ફરી એકવાર પાણીમાં ગરકાવ થઈ ગયા છે.
રાવપુરાની દુકાનોમાં પાણી ઘુસી જતા વેપારીઓ અને નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. અલકાપુરી વિસ્તારમાં દરવર્ષે જેવી હાલત બને છે તેવી જ રીતે આ વર્ષે પણ ગરનાળું વરસાદી પાણી ભરાતા બંધ થઇ ગયું હતું. હરણી વિસ્તારના સિગ્નસ સ્કૂલ પાસે પણ પાણી ભરાઈ જતા વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
આ પણ વાંચો
શહેરના અનેક વિસ્તારમાં ટ્રાફિકજામ સર્જાતા વાહનચાલકો કલાકો સુધી ફસાઈ રહ્યા હતા. પાલિકા દ્વારા દર વર્ષે પ્રી-મોન્સૂન કામગીરીના મોટા મોટા દાવાઓ કરવામાં આવે છે, પરંતુ વાસ્તવિકતા દર વર્ષે સામે આવી જાય છે.

જ્યાં દર વર્ષે પાણી ભરાય છે એવા હોટસ્પોટ વિસ્તારોમાં ફરી પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે, જે શહેર તંત્રના દાવાઓ પર સવાલ ઊભા કરે છે. માત્ર દોઢ ઇંચ વરસાદમાં વડોદરાની હાલત બગડતા, અણઘડ તૈયારી જાહેર થઈ ગઈ છે.