Kheda Rain: ખેડા જિલ્લામાં 3 દિવસ સાર્વત્રિક વરસાદથી તારાજી, ઠાસરામાં શેઢી નદી બે કાંઠે થતાં 9 ગામના રસ્તા બંધ કરાયા

છેલ્લા ત્રણ દિવસથી ખેડા જિલ્લામાં મેઘરાજા મહેર વરસાવી રહ્યા છે. શનિવારે આખો દિવસ વાદળછાયું વાતાવરણ રહ્યું હતું અને ગાજવીજ સાથે હળવા અને મધ્યમ વરસાદી ઝાપટાં પડ્યા હતા.

By: Kishan PrajapatiEdited By: Kishan Prajapati Publish Date: Sun 31 Aug 2025 12:15 PM (IST)Updated: Sun 31 Aug 2025 12:15 PM (IST)
kheda-rain-3-days-of-heavy-rainfall-devastates-kheda-shedhi-river-overflows-in-thasra-roads-of-9-villages-closed-594677
HIGHLIGHTS
  • નડિયાદ અને મહુધામાં એક ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો.
  • નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા.

Kheda Heavy Rain: ખેડાના ઠાસરા તાલુકામાંથી પસાર થતી શેઢી નદીમાં ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે પાણીનું સ્તર ભયજનક સપાટીએ પહોંચ્યું છે. પરિણામે, નદી કિનારાના 9 ગામોને જોડતા રસ્તાઓ પર પાણી ફરી વળતા બંધ કરી દેવામાં આવ્યા છે. આ ગામોના લોકો માટે વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવા માટે સૂચના આપવામાં આવી છે. નદીનું પાણી ગામોની સીમમાં પણ ફરી વળ્યું હોવાથી ખેડૂતોને પાકને નુકસાન થવાનો ડર સતાવી રહ્યો છે. વહીવટી તંત્ર દ્વારા આ ગામોના લોકોને સાવચેત રહેવા માટે એલર્ટ પણ આપવામાં આવ્યું છે.

છેલ્લા ત્રણ દિવસથી ખેડા જિલ્લામાં મેઘરાજા મહેર વરસાવી રહ્યા છે. શનિવારે આખો દિવસ વાદળછાયું વાતાવરણ રહ્યું હતું અને ગાજવીજ સાથે હળવા અને મધ્યમ વરસાદી ઝાપટાં પડ્યા હતા. ખાસ કરીને નડિયાદ અને મહુધામાં એક ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો, જેને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. મહેમદાવાદ સિવાયના તમામ તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો, જેણે વાતાવરણમાં ઠંડક પ્રસરાવી હતી.

ઠાસરા તાલુકામાંથી પસાર થતી શેઢી નદીમાં પાણીનો પ્રવાહ વધતા સાંઢેલી, ડભાલી, સનાદરા, અણંદી, વાડદ, રસુલપુર, એકલવેલું અને ગળતેશ્વરના ધોરાની મુવાડી સહિતના 8 ગામોને જોડતા મુખ્ય માર્ગો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. સલામતીના કારણોસર, વહીવટી તંત્ર દ્વારા આ રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે. ગ્રામજનોને આગામી 1 સપ્ટેમ્બર સુધી વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવા માટે જણાવવામાં આવ્યું છે. આ પરિસ્થિતિને કારણે આ ગામોમાં રહેતા લોકોને અવરજવરમાં મુશ્કેલી પડી રહી છે.