Narmada News: સરદાર સરોવર નર્મદા ડેમમાં છેલ્લા 24 કલાક દરમિયાન પાણીની આવકમાં ઘટાડો નોંધાતા તંત્ર દ્વારા કેટલાક પગલા લેવામાં આવ્યા છે. ડેમના 15 દરવાજામાંથી 5 દરવાજા બંધ કરી દેવામાં આવ્યા છે, જ્યારે હાલ 10 દરવાજા ખોલેલા છે. પ્રત્યેક દરવાજા 1.40 મીટર જેટલા ખોલી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે.
હાલમાં સરદાર સરોવર ડેમમાંથી 1,00,000 ક્યુસેક પાણી દરવાજા મારફતે અને 45,000 ક્યુસેક પાણી પાવર હાઉસ મારફતે મળી કુલ 1,45,000 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. તે ઉપરાંત 23,065 ક્યુસેક પાણી કેનાલ સિસ્ટમમાં છોડવામાં આવી રહ્યું છે.
તા. 31 ઓગસ્ટના સવારે 09.00 કલાકે મળેલી માહિતી મુજબ ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે, જ્યારે હાલ પાણીની સપાટી 135.87 મીટર છે. ગ્રોસ સ્ટોરેજ 8,580.70 MCM છે, જે કુલ ક્ષમતાના 90.71 ટકા સમાન છે. હાલની પાણીની આવક 2,28,827 ક્યુસેક છે.
નર્મદા ડેમમાં આવકમાં ઘટાડો થતા જાવકને અનુલક્ષીને નિયંત્રણમાં રાખવા પગલા લેવાયા છે. તંત્ર અનુસાર હાલ પરિસ્થિતિ સંપૂર્ણ નિયંત્રણમાં છે અને ડેમમાં પૂરતી જળસંગ્રહ ક્ષમતા હોવાને કારણે નદી કિનારાના વિસ્તારોમાં કોઈ જોખમની સ્થિતિ નથી. છતાં નદીકાંઠા અને નીચાણવાળા વિસ્તારોના લોકોને સાવચેત રહેવા સુચના આપવામાં આવી છે.
સરદાર સરોવર નર્મદા ડેમ રાજ્ય માટે મુખ્ય જળસ્રોત છે, જે પીવાનું પાણી, સિંચાઈ અને વીજળી ઉત્પાદન માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તંત્ર પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે અને જરૂરી હોય ત્યારે વધુ દરવાજા ખોલવાના અથવા બંધ કરવાના પગલા લેવામાં આવશે.