Sardar Sarovar Dam Water Level Today | સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની સપાટી સતત વધી રહી છે. સીઝનમાં પહેલીવાર ડેમની સપાટી 136 મીટર પાર થઈ છે. ડેમની સપાટી 136.52 મીટર પહોંચી ગઈ છે. ઉપરવાસમાંથી 1,48,205 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે, જેના કારણે ડેમ 93 ટકા ભરાયો છે. ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે.
ગતરોજ નર્મદા ડેમના 5 ગેટ 1.4 મીટર જેટલા ખોલવામાં આવ્યા હતા. આ ગેટમાંથી નર્મદા નદીમાં 1,17,496 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. સતત પાણી છોડવાના પગલે નદી કાંઠાના વિસ્તારોમાં પાણી ભરાવાની શક્યતા વધી રહી છે.
જિલ્લા તંત્ર દ્વારા ભરૂચ, નર્મદા અને વડોદરા જિલ્લાના નદીકાંઠાના કુલ 27 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. લોકોને સતર્ક રહેવા અને નદીકાંઠા વિસ્તારથી દૂર રહેવા માટે સૂચના આપવામાં આવી છે. તંત્રએ સલામતી માટે જરૂરી વ્યવસ્થાઓ પણ શરૂ કરી દીધી છે.
સરદાર સરોવર ડેમમાં પાણીના સ્તરમાં થયેલો આ વધારો ખેડૂતો માટે રાહતરૂપ છે કારણ કે ખેતરો માટે સિંચાઈ માટે પૂરતું પાણી ઉપલબ્ધ થશે. પરંતુ સાથે જ પૂર જેવી સ્થિતિને અટકાવવા માટે તંત્ર ચાકચોકસ રહેતું હોવાનું જણાવાયું છે.