Dahod News: દાહોદ જિલ્લાના સીંગવડ તાલુકામાં મોડી રાત્રે પડેલા ભારે વરસાદને કારણે સમગ્ર વિસ્તાર જળબંબાકાર થઈ ગયો હતો. સતત વરસેલા વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં લોકજીવન પ્રભાવિત બન્યું. ખાસ કરીને સીંગવડના નીચવાસ બજારમાં પાણીની નિકાસ ન થતાં રસ્તાઓ પર એકથી દોઢ ફૂટ જેટલું પાણી ભરાઈ ગયું હતું, જેના કારણે વાહનવ્યવહાર ખોરવાઈ ગયો હતો.
દાહોદ જિલ્લામાં કેટલો વરસ્યો વરસાદ
આજે સવારે 10 વાગ્યા સુધીમાં સિંગવડમાં 2.3 ઇંચ, દાહોદમાં 1.5 ઇંચ, લીમખેડામાં 1 ઇંચ, ગરબાડામાં 20 મિ.મી., ઝાલોદમાં 18 મિ.મી., ફતેપુરામાં 10 મિ.મી., સંજેલીમાં 5 મિ.મી., દેવગઢબારિયામાં 3 મિ.મી., ધાનપુરમાં 1 મિ.મી. વરસાદ નોંધાયો હતો. ગત 24 કલાકમાં સંજેલીમાં 2.7 ઇંચ, લીમખેડામાં2.4 ઇંચ, ધાનપુરમાં 1.5 ઇંચ, ફતેપુરામાં 1.4 ઇંચ, સિંગવડમાં 1.2 ઇંચ, દેવગઢ બારિયામાં 22 મિ.મી., દાહોદમાં 18 મિ.મી., ઝાલોદમાં 9 મિ.મી., ગરબાડામાં 2 મિ.મી. વરસાદ વરસ્યો હતો.

નીચાણવાળા વિસ્તારોમાં ઘરોમાં પાણી ભરાયા
વરસાદનું પાણી ઘણા ઘરોમાં ઘૂસી જતા લોકોએ રાતભર તકલીફો ભોગવવી પડી હતી. લોકોએ ઘરનાં સામાનને સલામત જગ્યાએ ખસેડવા માટે ભારે કવાયત કરવી પડી હતી. ભારે વરસાદના પગલે વહીવટી તંત્ર સતર્ક બન્યું અને કબૂતરી નદી પરના રસ્તા બંધ કરી દેવામાં આવ્યા હતા. રંધીકપુર વિસ્તારમાં કબૂતરી નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી. નદી બે કાંઠે વહેવા લાગતાં જોખમ વધ્યું છે. જેના કારણે મંડેર, માતાના પાલ્લા, વડાપીપળા, કાળિયા રાય અને કેળકુવા ગામોનો સંપર્ક તૂટી ગયો હતો. આ ગામોમાં જતા માર્ગો પર પાણી ફરી વળતાં વાહનવ્યવહાર સંપૂર્ણપણે બંધ થઈ ગયો હતો.