Rajkot News: શારદીય નવરાત્રીને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે રાજકોટ સહિત સમગ્ર ગુજરાતમાં રાસોત્સવની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આ દરમિયાન, રાજકોટ જિલ્લા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા રાજકોટ શહેર પોલીસ કમિશનર કચેરી રજૂઆત કરવામાં આવી છે.
પરિષદના હોદ્દેદારો અને સ્વયંસેવકોએ પોલીસ કમિશનર કચેરીમાં રજૂઆત કરતા જણાવ્યું હતું કે, નવરાત્રી જેવા પવિત્ર તહેવારની આડમાં કેટલાક વિધર્મીઓ સનાતન ધર્મની દીકરીઓને પ્રેમજાળમાં ફસાવે છે અને ત્યારબાદ તેમનું ધર્માંતરણ કરાવે છે. તેમણે દાવો કર્યો કે ડિસ્કો દાંડિયા આવા જેહાદી માનસિકતા ધરાવતા લોકો માટે એક પ્લેટફોર્મ પૂરું પાડે છે, જેના કારણે દર વર્ષે અનેક દીકરીઓ જેહાદનો શિકાર બને છે.
આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદે માંગ કરી છે કે ડિસ્કો દાંડિયામાં સનાતનીઓ સિવાય અન્ય કોઈ વિધર્મીઓને પ્રવેશ આપવામાં ન આવે. તેમણે પ્રશ્ન ઉઠાવ્યો કે, જે લોકો મૂર્તિપૂજા કે માતાજીમાં માનતા નથી, તેમને નવરાત્રી સાથે શું લેવાદેવા છે? તેથી, આવા કાર્યક્રમોમાં તેમનો પ્રવેશ નિષેધ થવો જોઈએ. આ રજૂઆતનો મુખ્ય ઉદ્દેશ્ય સનાતન ધર્મની દીકરીઓને આવી ઘટનાઓથી બચાવવાનો છે.
આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના હોદ્દેદારો અને સ્વયંસેવકોએ જણાવ્યું હતું કે ડિસ્કો દાંડિયાનું આયોજન કરનારા લોકો આવા કૃત્યો માટે પ્લેટફોર્મ પૂરું પાડે છે, જેના કારણે ઘણી યુવતીઓ જીહાદીઓનો શિકાર બને છે. પરિષદની માંગ છે કે મૂર્તિ પૂજામાં માનતા ન હોય તેવા અને સનાતની ન હોય તેવા લોકોને ડિસ્કો દાંડિયામાં પ્રવેશ આપવામાં ન આવે.
તેઓએ આયોજકો સાથે પણ આ બાબતે વાતચીત કરવાની રજૂઆત કરી હતી, અને પોલીસ પ્રશાસનની મદદથી આ દિશામાં આગળ વધવાની ખાતરી આપી હતી. કમિશનરને રૂબરૂ રજૂઆત કરીને પરિષદે વિનંતી કરી છે કે કોઈપણ વિધર્મીને દાંડિયામાં પ્રવેશવા દેવામાં ન આવે, જેથી લવ જિહાદ જેવી ઘટનાઓને અટકાવી શકાય. આ માટે દાંડિયાના આયોજકો સાથે પણ મીટીંગ કરીને ચેકિંગ હાથ ધરવામાં આવશે.