Vadodara News: વડોદરામાં ગણેશજીની મૂર્તિ ઇંડા ફેંકવાની ઘટના, માફિયા ગેંગના એડમીન સહિત ત્રણ સભ્યો અજમેરથી ઝડપાયા

વડોદરામાં ગત સોમવારની મોડી રાતે પાણીગેટથી માંડવી જતાં માર્ગ પર નિર્મલ પાર્ક યુવક મંડળની ગણેશજીની મૂર્તિ પર ઈંડા ફેંકી શહેરની શાંતિ ભંગ કરવાનો પ્રયાસ કરાયો હતો.

By: Rakesh ShuklaEdited By: Rakesh Shukla Publish Date: Sun 31 Aug 2025 12:04 PM (IST)Updated: Sun 31 Aug 2025 12:04 PM (IST)
vadodara-police-arrest-three-in-ajmer-in-ganesh-idol-egg-throwing-case-594673

Vadodara News: વડોદરામાં ગણેશજીની મૂર્તિ પર ઈંડા ફેંકવાની ઘટનામાં સંડોવાયેલા માફિયા ગેંગના એડમીન સહિત ત્રણ આરોપીઓને રાજસ્થાનના અજમેરથી ઝડપી પાડવામાં આવ્યા છે. પોલીસે આ કેસમાં અત્યાર સુધીમાં એક સગીર સહિત કુલ છ લોકોની ધરપકડ કરી છે. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

બનાવની પ્રાપ્ત વિગત અનુસાર, વડોદરામાં સોમવારની મોડી રાતે પાણીગેટથી માંડવી જતાં માર્ગ પર નિર્મલ પાર્ક યુવક મંડળની ગણેશજીની મૂર્તિ પર ઈંડા ફેંકી શહેરની શાંતિ ભંગ કરવાનો પ્રયાસ કરાયો હતો. આ ઘટના મદાર માર્કેટ પાસે બની હતી, જેની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી અને કોમ્બિંગ ઓપરેશન શરૂ કરાયું હતું. પ્રારંભિક કાર્યવાહી દરમિયાન સૂફીયાન અને સહેજાદ નામના બે શખ્સોની ધરપકડ કરવામાં આવી છે.

તેમના પોલીસ રિમાન્ડ દરમ્યાન મળેલી માહિતી પરથી વધુ બે નામ ખુલ્યા હતા. તપાસ આગળ વધતા માફિયા ગેંગના એડમીન જુનેદ સિંધી સહિત ચારની સંડોવણી બહાર આવી. પોલીસએ સલમાન મન્સૂરીને પણ ઝડપ્યો, જ્યારે જુનેદ, સમીર અને અનસ ફરાર હોવાનું બહાર આવ્યું હતું. મોબાઇલ ટ્રેકિંગથી જાણવા મળ્યું કે ત્રણે શખ્સો રાજસ્થાનના અજમેરમાં છુપાયા હતા. વડોદરા પોલીસે તરત અજમેર પોલીસનો સંપર્ક કર્યો અને વિગતો આપતાં અજમેર પોલીસે ઓપરેશન સર્ચ હાથ ધર્યું હતું. અને અજમેર રેલવે સ્ટેશન વિસ્તારમાંથી ત્રણેને અજમેર પોલીસે ઝડપી પાડ્યા હતા.

વડોદરા પોલીસે જણાવ્યા મુજબ, અત્યાર સુધીમાં એક સગીર સહિત કુલ છ શખ્સોને કાનૂની કાયદેસરની કાર્યવાહી માટે પકડી પાડવામાં આવ્યા છે. અજમેરથી જુનેદ સિંધી, સમીર અને અનસને વડોદરા લાવવામાં આવી રહ્યા છે અને તેમનો રિમાન્ડ મેળવવા માટે કાર્યવાહી શરૂ કરાઈ છે. આ ઘટનાને કારણે એક સમયે તંગ પરિસ્થિતિ સર્જાઈ હતી, પરંતુ પોલીસની ઝડપી કાર્યવાહીથી પરિસ્થિતિ કાબૂમાં રહી. શહેરમાં વધારાના પોલીસ બંદોબસ્ત સાથે કાયદો-વ્યવસ્થા જાળવવામાં આવી છે.