Vadodara News: સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે આજે જયારે સમગ્ર દેશ દેશ ભક્તિના રંગમાં રંગાયું છે. ત્યારે બરોડા ડેરી ખાતે પણ ધ્વજવંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ડેરીના પ્રમુખ દિનુ મામાના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. કાર્યક્રમ બાદ દિનુ મામાએ તેમના વિરોધીઓ પર તીવ્ર પ્રહાર કર્યા હતા અને જાહેર મંચ પર પુરાવા સાથે ચર્ચા કરવા ચેલેન્જ આપી હતી. જેની પ્રતિક્રિયા આપતા સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે કહ્યું છેકે હું તૈયાર છું.
દિનુ મામાએ જણાવ્યું કે, ડેરી અંગે મારા વિરુદ્ધ કરાયેલા તમામ આક્ષેપો પુરાવા સાથે સાબિત કરો. હું ખુલ્લા મંચ પર ચર્ચા કરવા તૈયાર છું. જો આક્ષેપો સિદ્ધ નહીં થાય તો હું કાયદાકીય પગલાં લેવા કોર્ટમાં જઈશ. હું કોઈનાથી ડરતો નથી. તેમણે વધુમાં ઉમેર્યું કે ડેરીની પ્રગતિ રોકવા માટે વિરોધ પક્ષ ખોટા પ્રચારનો આશરો લઈ રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે બરોડા ડેરીમાં છેલ્લા ઘણા સમયથી આંતરિક વિવાદ ચાલી રહ્યો છે. ડેરીના કારોબારી નિર્ણયો, નાણાકીય વ્યવસ્થાપન અને વિવિધ યોજનાઓને લઈને પક્ષ-વિપક્ષ વચ્ચે તણાવ જોવા મળે છે. આક્ષેપો અને પ્રતીઆક્ષેપોના આ દૌરમાં ચૂંટણી નજીક આવતા રાજકીય ગરમાવો વધ્યો છે.
અજીત ઠાકોરે અગાઉ દિનુ મામાના કાર્યકાળ દરમ્યાન અનિયમિતતા અને ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યા હતા, જેને લઈને ડેરીના સભ્યો અને ખેડૂતોમાં ચર્ચાનો માહોલ સર્જાયો હતો. દિનુ મામાની આ જાહેર ચેલેન્જથી ડેરીનો વિવાદ વધુ ઉગ્ર બનવાની શક્યતા છે.
સ્વાતંત્ર્ય દિવસના અવસર પર યોજાયેલા આ કાર્યક્રમમાં ડેરીના કર્મચારીઓ, સભ્યો અને સ્થાનિક આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. દેશભક્તિના ગીતો, દેશપ્રેમી સૂત્રોચ્ચાર અને સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે વાતાવરણ દેશપ્રેમની ભાવનાથી છલકાયું હતું. પરંતુ કાર્યક્રમ બાદ રાજકીય ટકરાવનું ગરમાગરમ વાતાવરણ પણ જોવા મળ્યું, જેના કારણે બરોડા ડેરીની આગામી ચૂંટણી વધુ રસપ્રદ બનશે તે નક્કી છે.
બરોડા ડેરી વિવાદમાં દિનુમામાની ચેલેન્જ સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે સ્વીકારી જાણવ્યું હતું કે, આગામી ચાર તારીખે સાધારણ સભા પહેલા, એમના સમયે હું હાજર રહેવા તૈયાર છું. આ મુદ્દો રાજકીય નહીં પરંતુ પશુપાલકોના હિતનો છે. જાહેર મંચ પર બેસી તમામ પુરાવા આપવા તૈયાર છું.