Surat: શહેરના કતારગામ વિસ્તારમાં BRTS રૂટ પર રોંગ સાઈડમાં પુરપાટ ધસી આવેલા બુલેટના ચાલકની દાદાગીરીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં બસનો ડ્રાઈવર હર્ષ સંઘવીને ઉદ્દેશીને વિનંતી કરી રહ્યો છે. આ વીડિયો વાયરલ થયા બાદ શહેરના મેયરે બુલેટ ચાલક બે ઈસમો વિરુદ્ધ FIR દાખલ કરવાના કહ્યું છે.
સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે, બસનો ડ્રાઈવર પોતાના BRTS રૂટમાંથી પસાર થઈ રહ્યો છે, ત્યારે સામેથી રોંગ સાઈડમાં બુલેટ પર બે યુવકો પુરપાટ આવી રહ્યા છે, જેમાં બુલેટ રાઈડરે હેલ્મેટ પણ પહેર્યું નહતુ. જેના પગલે બસના ડ્રાઈવર અને બુલેટ ચાલક વચ્ચે માથાકૂટ થાય છે.
આ સમયે બસનો ડ્રાઈવર વીડિયો ઉતારતા કહી રહ્યો છે કે, હું મારી સાઈડમાં જ આવતો હતો. મારી હર્ષ સંઘવીને વિનંતી છે કે, આ ભાઈ રોંગ સાઈડમાં આવે છે. જેના જવાબમાં બાઈક ચાલક કહે છે કે, ભલે રોંગમાં આવે. ગાડીનો નંબર નહીં મારો પણ આખો ફોટો લઈ લઈ લે. એક તો બુલેટના ચાલકે ટ્રાફિકના નિયમોનો ભંગ કર્યો છે, તો બીજી તરફ પોતાની ભૂલ સ્વીકારવાના બદલે BRTSના ડ્રાઈવર સાથે જીભાજોડી કરી રહ્યો છે.
સુરતના મેયર દક્ષેશ માવાણીની શહેરીજનોને અપીલ
સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થતાં શહેરના મેયર દક્ષેશ માવાણીએ જણાવ્યું કે, BRTS રૂટમાં રોંગ સાઈડમાં એક ટુ-વ્હીલર આવે છે, જે અકસ્માતમાં બચી જાય છે. આમ છતાં તે બસ ચાલક પર રોફ જમાવે છે, જે વીડિયોમાં સ્પષ્ટ જોઈ સકાય છે. મેં સવારે જ BRTSના ઉચ્ચ અધિકારીઓ સાથે વાત કરી છે અને આવા તત્વો સામે FIR દાખલ કરવામાં આવે તેમ જણાવ્યું છે.
હું સુરત શહેરની જનતાને પણ અપીલ કરું છું કે, આ સુરત શહેરનો બીઆરટીએસ રૂટ દેશનો પહેલો ઇલેક્ટ્રિક કોરીડોર છે. આપણા સૌ માટે ગૌરવ છે કે, ઇલેક્ટ્રિક કોરીડોર જાહેર થયો છે. તેમાં બીઆરટીએસ બસો, સીટી લીંકની બસો અને ઈમરજન્સી વ્હીકલોનો જ ઉપયોગ કરવા દેવામાં આવે છે. આ રીતના કોઈ બીઆરટીએસ રૂટનો ઉપયોગ કરે અને બસ સામેથી આવે ત્યારે મોટી દુર્ઘટના બનવાની પણ સંભાવના રહેલી છે.