Sabarkantha Rain News: સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્માના દેરોલ નજીક હરણાવ નદીમાં છ જેટલા લોકો ફસાયા હોવાની ઘટના સામે આવી છે. આ ઘટના નદીના પ્રવાહમાંથી અવરજવર કરતા દરમિયાન બની હતી. ફસાયેલા લોકોમાં બાળકોનો પણ સમાવેશ થાય છે અને તેઓ નદીની વચ્ચે એક બેટ જેવી સ્થિતિમાં ફસાયેલા છે. પાણીનો પ્રવાહ સતત વહી રહ્યો છે અને તેના કારણે આ લોકો મુશ્કેલીમાં મુકાયા છે.
આ ઘટનાની જાણ થતા જ મામલતદાર સહિત ફાયર વિભાગની ટીમ બચાવ કામગીરી માટે તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. વધુમાં, હિંમતનગર અને ઈડરની ફાયર વિભાગની ટીમોને પણ રેસ્ક્યુ ઓપરેશન માટે રવાના કરવામાં આવી છે અને તેઓ પણ સ્થળ પર પહોંચી રહી છે. હાલમાં સ્થાનિક ફાયરની ટીમ ઉપરાંત ઈડર અને હિંમતનગરની ફાયર ટીમો સંયુક્ત રીતે તમામ ફસાયેલા લોકોને સુરક્ષિત બહાર કાઢવા માટે પ્રયાસો હાથ ધરી રહી છે. જરૂર જણાશે તો અન્ય મદદ પણ લેવામાં આવશે.
આ ઘટના ઉપરવાસમાં થયેલા ભારે વરસાદના કારણે સર્જાઈ છે, જેના પરિણામે સ્થાનિક નદીઓમાં વહેલી સવારથી પાણીનો પ્રવાહ ધસમસતો વહી રહ્યો છે. આ પ્રકારની સ્થિતિને કારણે લોકો ફસાઈ જવાની આ એકલી ઘટના નથી, પરંતુ એક બાદ એક બે થી ત્રણ જગ્યાએ આવી જ રીતે લોકો ફસાઈ જવાની ઘટનાઓ પણ સામે આવી છે. હાલ તમામને બચાવવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે.