Rajkot Rain News: રાજકોટમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા: 2 કલાકમાં 2 ઇંચ, જામકંડોરણામાં 3 ઇંચ વરસાદથી જળબંબાકાર

ભારે વરસાદને કારણે જામકંડોરણા અને આસપાસના વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી. ખેતરો અને રસ્તાઓ પાણીથી તરબોળ થઈ ગયા હતા.

By: Rakesh ShuklaEdited By: Rakesh Shukla Publish Date: Thu 03 Jul 2025 03:48 PM (IST)Updated: Thu 03 Jul 2025 03:48 PM (IST)
rajkot-jamkandorana-inundated-by-heavy-rains-559892

Rajkot Rain: રાજકોટ શહેર અને જિલ્લામાં આજે મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા. અનરાધાર વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા અને જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી. રાજકોટ શહેરમાં ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. માત્ર બે કલાકમાં બે ઇંચ જેટલો વરસાદ ખાબકી જતાં શહેરના રસ્તાઓ નદીમાં ફેરવાઈ ગયા હતા. નીચાણવાળા વિસ્તારો તથા માર્ગો પર પાણી ભરાઈ જતાં વાહનચાલકો અને રાહદારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

રાજકોટ જિલ્લામાં કયાં કેટલો વરસાદ વરસ્યો

આજે સવારે 6થી બપોરના 2 વાગ્યા સુધીના આંકડા જોઇએ તો રાજકોટ જિલ્લામાં જામકંડોરણામાં 2.7 ઇંચ, જેતપુરમાં 1.9 ઇંચ, રાજકોટમાં 1.5 ઇંચ વરસાદ વરસ્યો છે. જ્યારે ગોંડલમાં 20 મિ.મી., ધોરાજીમાં 14 મિ.મી., લોધીકામાં 9 મિ.મી., જસદણમાં 7 મિ.મી., ઉપેલેટામાં 1 મિ.મી. વરસાદ વરસ્યો છે.

નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને પણ એલર્ટ રહેવા સૂચના

રાજકોટ જિલ્લાના જામકંડોરણા પંથકમાં પણ મેઘરાજાએ ધડબડાટી બોલાવી હતી. માત્ર બે કલાકમાં ત્રણ ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદને કારણે જામકંડોરણા અને આસપાસના વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી. ખેતરો અને રસ્તાઓ પાણીથી તરબોળ થઈ ગયા હતા.હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં પણ સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે તંત્ર દ્વારા લોકોને સાવચેત રહેવા અને જરૂર ન હોય તો બહાર ન નીકળવા અપીલ કરવામાં આવી છે. નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને પણ એલર્ટ રહેવા સૂચના આપવામાં આવી છે.

ભારે વરસાદની આગાહી: તંત્ર એલર્ટ

આજથી એક અઠવાડિયા માટે રાજ્યભરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેના પગલે રાજકોટ જિલ્લામાં પણ કેટલાય વિસ્તારોમાં ક્યાંક ભારે તો ક્યાંક ધીમીધાર વરસાદ વરસી રહ્યો છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ મામલતદારો તેમજ પ્રાંત અધિકારીઓને ક્વાર્ટર ન છોડવા અને ફીલ્ડમાં જ રહેવા સૂચના આપવામાં આવી છે.

વહીવટી તંત્ર દ્વારા અગાઉથી જ કોઈપણ વિસ્તારમાં સ્થળાંતર કરવાની જરૂર પડે તો તેની વ્યવસ્થા, ફૂડ પેકેટ સહિતની સુવિધાઓ અંગે સૂચના આપવામાં આવી છે. સાથે જ, તંત્ર દ્વારા ડિઝાસ્ટરની ટીમ સાથે રહીને કયા વિસ્તારમાં વરસાદના લીધે કઈ રીતે કામગીરી કરવી તે અંગેનો પ્લાન પણ તૈયાર કરી લેવામાં આવ્યો છે. જિલ્લા કલેક્ટર ડો. ઓમ પ્રકાશ અને એડિશનલ કલેક્ટર આલોક ગૌતમ દ્વારા કર્મચારીઓને ક્વાર્ટર ન છોડવા અને નીચાણવાળા વિસ્તારોમાં સતત નજર રાખવા માટેની સૂચના આપવામાં આવી છે. તંત્ર દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.