કિશન પ્રજાપતિ, અમદાવાદ
પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. અહીં દેશ વિદેશના હરિભક્તો ઉમટી રહ્યા છે. વર્ષ 2012થી પ્રમુખ સ્વામી અક્ષરવાસી થયા ત્યાં સુધી તેમની સાથે રહેનારા અને લંડન BAPS મંદિરના કોઠારી સ્વામી યોગ વિવેક સ્વામીએ પ્રમુખ સ્વામી નગરની મુલાકાત લીધી હતી. આ પછી તેમણે ગુજરાતી જાગરણ સાથે વાતચીત કરી પ્રમુખ સ્વામી સાથેની યાદો વાગોળી હતી.
યોગ વિવેક સ્વામીએ કહ્યુ કે, મને 2012થી પ્રમુખ સ્વામી મહારાજની સાથે રહેવાનો લહાવો મળ્યો હતો. મારું મેડિકલ બેકગ્રાઉન્ડ હોવાને લીધે સેવા પ્રાપ્ત થઈ હતી. મારા માટે આ લહાવો હતો. કારણ કે, મોટા પુરુષ સાથે રહેવાનું અને તેમને નજીકથી નિહાળવા એ એક લહાવો જ ગણાય. પ્રમુખ સ્વામી મહારાજ સ્વતંત્ર પુરુષ હતા. ચાર વર્ષ સાથે રહેવાનું થયું એમા ખાસ ખ્યાલ આવ્યો કે, પ્રમુખ સ્વામી મહારાજની ઉંમર હોવા છતાં તેઓ એકદમ સ્વસ્થ રહી શકતા હતાં. પોતે સ્વસ્થ હોય એટલે બીજાને પણ સ્વસ્થ રાખતા હતાં. પોતે હસે અને બીજાને પણ હસતા રાખી શકતા હતાં. પ્રમુખ સ્વામી મહારાજ એવા પુરુષ હતાં કે, આપણને બળ આપતાં હતાં. અમુક વખત આપણે હિંમત હારી જઈએ પણ પ્રમુખ સ્વામી મહારાજને ગમે એવી બીમારી હોય છતાં તેમણે કોઈ દિવસ ફરિયાદ કરી નહોતી. તે છેક છેલ્લે સુધી આવા બળમાં રહેતાં હતાં. તેમાંથી આપણેને ખ્યાલ આવે કે,આપણાં જીવનમાં સ્થિરતા જેવા ગુણો હોય તો આપણા જીવનમાં સુખી રહી શકીએ. આ પ્રમુખ સ્વામી પાસેથી શીખવા મળ્યું હતું.
યોગ વિવેક સ્વામીએ કહ્યુ કે, પહેલાં તો હું સતસંગી નહોતો. અમે UKના લેસ્ટરમાં રહેતાં હતા. 1980માં પ્રમુખ સ્વામી મહારાજ ભગવાન સ્વામિનારાયણ દ્વીશતાબ્દી નિમિત્તે ત્યાં લંડન અને આસપાસના દેશમાં વિચરણ કરવા આવ્યા હતા. તે વખતે લેસ્ટરમાં એક હરિભક્તના ઘરે પ્રમુખ સ્વામી રોકાયા હતા અને પૂજા માટે આ રીતે જતાં હતા. તે વખતે પ્રમુખ સ્વામી મહારાજના દૂરથી દર્શન થયા હતાં. તે વખતે વાતચીત કરવાનું થયું નહોતું. આ પછી બે-ત્રણ દિવસ પછી પ્રમુખ સ્વામી મહારાજના સવારની પૂજા પછી દર્શન થયા. તે વખતે પ્રમુખ સ્વામી કોણ છે અને ધર્મ શું છે એ મને ખ્યાલ નહોતો. પ્રમુખ સ્વામીને જે દિવસે મળ્યો તે દિવસે મારો જન્મ દિવસ હતો. તેમણે વહાલથી મને એક સરફજન આપ્યું. બસ આટલી જ વાત થઈ હતી. તેમાંથી મને થયું કે, આ કંઈક અલગ જ માટીના પુરુષ છે. તેમાંથી ધીરે-ધીરે સતસંગમાં જોડાવવાનું નક્કી કર્યું અને 1992માં ગાંધીનગરમાં અક્ષરધામનું ઉદ્ઘાટન થયું ત્યારે મને પ્રમુખ સ્વામીએ દિક્ષા આપી હતી.
યોગ વિવેક સ્વામીએ કહ્યું કે, પ્રમુખ સ્વામી મહારાજ હંમેશા ગમે એટલી પ્રવૃતિ હોય પણ, જ્યારે પ્રમુખ સ્વામી તેમની પૂજામાં બેસે આંખ બંધ કરીને ભગવાનનું ધ્યાન કરતાં હોય એ પ્રસંગ હંમેશા મને યાદ રહે છે. કેમ કે, પ્રમુખ સ્વામી આટલી મોટી સંસ્થાના ગુરુ હતાં. આટલા બધા સંતો, આટલા બધા હરિભક્તો, પણ જ્યારે ભગવાન ભજવાનો સમય હોય ત્યારે પોતે ભગવાનમાં લીન થઈ જતાં હતાં. એ મને વારંવાર યાદ આવે છે.