Narmada News: ડેડીયાપાડામાં મનસુખ વસાવાની કાર્યકર્તાઓને ટકોર, ચૈતર વસાવા મામલે સાચી વાત લોકો સમક્ષ મુકવી પડશે

મનસુખ વસાવાએ જણાવ્યું કે, લોકોમાં સ્પષ્ટ સંદેશ પહોંચાડવો જરૂરી છે કે ચૈતર વસાવા જેલમાં ભાજપના દબાણથી નહીં પરંતુ તેના ગુનાહિત કૃત્યોને કારણે છે.

By: Rakesh ShuklaEdited By: Rakesh Shukla Publish Date: Mon 25 Aug 2025 11:48 AM (IST)Updated: Mon 25 Aug 2025 11:48 AM (IST)
narmada-news-mansukh-vasava-targets-party-leaders-over-chaitar-vasava-issue-591385

Narmada News: નર્મદા જિલ્લાના ડેડીયાપાડા વિધાનસભાની બેઠક દરમિયાન ભાજપના સાંસદ મનસુખ વસાવાએ ચૈતર વસાવાના મુદ્દે પોતાનાં જ નેતાઓને ખુલ્લી ટકોર કરી હતી. આમ આદમી પાર્ટીના નેતાઓ તથા ધારાસભ્ય ચૈતર વસાવા પ્રજાને ગેરમાર્ગે દોરે છે અને આપણા બધાની અને આપણી સરકારની વિરૂદ્ધ ઉશ્કેરે છે. પ્રજાની વચ્ચે જઈને આપણે સાચી વાત મુકવી પડશે.

મનસુખ વસાવાએ જણાવ્યું કે, લોકોમાં સ્પષ્ટ સંદેશ પહોંચાડવો જરૂરી છે કે ચૈતર વસાવા જેલમાં ભાજપના દબાણથી નહીં પરંતુ તેના ગુનાહિત કૃત્યોને કારણે છે. તેમણે કહ્યું કે ચૈતરે આદિવાસી આગેવાનો અને મહિલાઓ પર હુમલો કર્યો છે, ગાળો બોલી માર માર્યો છે, જે માટે લોકોના ઘરે ઘરે જઈ સાચી હકીકત સમજાવવી પડશે. ચૈતર વસાવાની ટીમ સોશિયલ મીડિયા પર ભાજપ અને તેમના વિરુદ્ધ પ્રચાર કરી રહી છે, જેના કાઉન્ટર માટે કાર્યકર્તાઓએ મોરચો સંભાળવો પડશે. મનસુખ વસાવાએ ચેતવણી આપી કે આજે મૌન રહેશો તો ભવિષ્યમાં પડકારો વધશે.

તેમણે જણાવ્યું હતું કે, આ ચોમાસા સત્રમાં દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સરકાર, દેશના ગૃહમંત્રી અમિત શાહએ દેશના રાજકારણમાં શુદ્ધિકરણ લાવવા અને ગુનાહિત પ્રવૃતિને ડામવા 130મું સંવિધાન સંશોધન બિલ લાયા તેમાં ગંભીર ગુનાહિત કેસમાં ધરપકડ થાય તો પ્રધાનમંત્રી, મંત્રીઓ અને મુખ્યમંત્રીને હટાવવા માટેના સંશોધન બિરદાવા પાત્ર છે.

ઉપસ્થિત કાર્યકર્તાઓને જણાવ્યું કે આપણે પણ રાજકારણમાં ગુનાહિત પ્રવૃતિઓ ડામવા આગળ આવું પડશે, આપણા વિસ્તારમાં આમ આદમી પાર્ટીના નેતાઓ અનેક પ્રકારના ગુનાહિત કૃત્યો કરે છે અને પ્રજામાં સાહુકાર બનવાના પ્રયાસો કરે છે, ખુદ ધારાસભ્ય ચૈતર વસાવાની સામે 19 જેટલા ગુના પોલીસ ફરિયાદમાં નોંધાયેલ છે છતાં તેમના આકાઓ તેને ભાજપનું ષડયંત્ર ગણાવી રહ્યા છે. આના માટે આપણે લોકોની વચ્ચે જઈને એમની સમક્ષ સાચી વાત મૂકવી પડશે. સોશિયલ મીડિયામાં ખોટા આરોપો મૂકનારાઓની સામે પણ આપણે જવાબ આપી સાચી વાતથી પ્રજાને વાકેફ કરવી પડશે.

આદિવાસીઓના પ્રશ્નો જેમાં સરકાર દ્વારા મોટાભાગની જંગલની જમીન આપવામાં આવી છે પરંતુ જે પેન્ડિંગ છે એના પરના હક્ક આદિવાસીને મળે, નર્મદા તથા ઉકાઈનું પાણી સાગબારા-ડેડીયાપાડા તાલુકાને મળે અને ગંગાપુર ડેમ જે 15 વર્ષથી પેન્ડિંગ છે તે તાત્કાલિક બનાવવાં સરકારે આગળ આવવું જોઈએ અને તેના માટે આપણે સૌ કાર્યકર્તાઓએ આગળ આવી સહિયારા પ્રયાસો કરવા જોઈએ. માગ્યા વગર માં પણ પિરસતી નથી તેમ આપણે બધાએ સરકારમાં આપણા હક્ક અને અધિકાર માટે સામૂહિક રીતે રજૂઆત કરવી પડશે.

આમ આદમી પાર્ટીના નેતાઓ તથા ધારાસભ્ય ચૈતર વસાવા પ્રજાને ગેરમાર્ગે દોરે છે અને આપણા બધાની અને આપણી સરકારની વિરૂદ્ધ ઉશ્કેરે છે. પ્રજાની વચ્ચે જઈને આપણે આપણી રાજ્ય સરકાર અને ભારત સરકારે કરેલા પ્રજાલક્ષી મહાન કાર્યો વિશે લોકોને વાકેફ કરવા પડશે. યુવાનોમાં સકારાત્મક વાતો મૂકી રોજગાર તરફ વાળવા જોઈએ અને આ કાર્ય માટે જિલ્લા અને તાલુકા સંગઠનના આગેવાનો તથા જિલ્લા અને તાલુકા પંચાયત સભ્યોએ લોકોની વચ્ચે જઈને સાચી વાતથી માહિતગાર કરવા પડશે.