Nadiad: કપડવંજના ચપટિયા પીકઅપ સ્ટેન્ડ પાસે એસ ટી બસની પાછળ ચેક કરતા ડ્રાઈવરને ટ્રકે અડફેટે લીધા, ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા થયું મોત

આ અકસ્માત ત્યારે થયો જ્યારે ડ્રાઇવર બસની પાછળના ભાગે કંઈક અવાજ આવતો હોવાથી પાર્કિંગ લાઇટ ચાલુ કરીને તપાસ કરવા માટે ઊભા હતા.

By: Kishan PrajapatiEdited By: Kishan Prajapati Publish Date: Sun 24 Aug 2025 01:21 PM (IST)Updated: Sun 24 Aug 2025 01:21 PM (IST)
nadiad-news-bus-truck-accident-near-chapatia-stand-in-kapadvanj-driver-hit-while-checking-behind-st-bus-590932
HIGHLIGHTS
  • કઠલાલના છીપડી ગામના વતની અને કપડવંજ ડેપોના ડ્રાઇવર જશવંતભાઈ દેવાભાઈ પટેલ નાઈટ બસ લઈને ફરજ પર હતા.
  • બસના પાછળના ભાગમાંથી અસામાન્ય અવાજ આવતા તેમણે બસ ઊભી રાખીને નીચે ઉતરીને ચેક કરવાનું શરૂ કર્યું હતું.

Nadiad News: કપડવંજ નજીક આવેલા ચપટીયા પીકઅપ સ્ટેન્ડ પાસે આજે વહેલી સવારે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. એક ટ્રક ધડાકાભેર બસ પાછળ અથડાતા કપડવંજ ડેપોના એસ.ટી. બસ ડ્રાઇવરનું ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યું હતું. આ અકસ્માત ત્યારે થયો જ્યારે ડ્રાઇવર બસની પાછળના ભાગે કંઈક અવાજ આવતો હોવાથી પાર્કિંગ લાઇટ ચાલુ કરીને તપાસ કરવા માટે ઊભા હતા. આ દરમિયાન પાછળથી પૂરપાટ ઝડપે આવતી ટ્રકે તેમને અને બસને જોરદાર ટક્કર મારી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર, કઠલાલના છીપડી ગામના વતની અને કપડવંજ ડેપોના ડ્રાઇવર જશવંતભાઈ દેવાભાઈ પટેલ કંડક્ટર સાગરભાઈ ઝાલા સાથે કપડવંજ-થવાદ રૂટની નાઈટ બસ લઈને ફરજ પર હતા. ગઈકાલે સવારના 6 વાગ્યાના સુમારે તેઓ ચપટીયા સ્ટેન્ડ પર પેસેન્જર લેવા માટે ઊભા હતા. બે વિદ્યાર્થીઓને બસમાં બેસાડ્યા બાદ, બસના પાછળના ભાગમાંથી અસામાન્ય અવાજ આવતા તેમણે બસ ઊભી રાખીને નીચે ઉતરીને ચેક કરવાનું શરૂ કર્યું હતું. તે જ સમયે, પાછળથી આવતી એક ટ્રકે તેમને ટક્કર મારી અને બસને પણ જોરદાર ધક્કો લાગતા બસ ગટરમાં ઉતરી ગઈ હતી.

ટ્રકની ટક્કરથી ડ્રાઇવર જશવંતભાઈને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતાં તેમનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. બનાવની જાણ થતા જ એસ.ટી. વિભાગના અધિકારીઓ અને પોલીસ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. આ મામલે કંડક્ટરની ફરિયાદના આધારે કપડવંજ રુરલ પોલીસ મથકે રાજસ્થાન પાર્કિંગના ટ્રકચાલક વિરુદ્ધ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.