Mehsana Rain: ધરોઈ અને સંત સરોવર ડેમમાંથી પાણી છોડાતા કાંઠાના ગામોને એલર્ટ, સાબરમતી નદીમાં જળસ્તર વધ્યું

સાબરમતી જળાશય યોજનાના ધરોઈ ડેમની જળ સપાટી હાલ 91.28 ટકાએ પહોંચી છે. ડેમમાં 26420 ક્યુસેક પાણીની આવક સામે 65,864 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું.

By: Kishan PrajapatiEdited By: Kishan Prajapati Publish Date: Sun 24 Aug 2025 12:55 PM (IST)Updated: Sun 24 Aug 2025 12:55 PM (IST)
mehsana-rain-alert-to-coastal-villages-due-to-water-release-from-dharoi-and-sant-sarovar-dams-water-level-in-sabarmati-river-rises-590926
HIGHLIGHTS
  • ગઈકાલે વહેલી સવારે સંત સરોવર ડેમના પાંચ દરવાજા ખોલીને 12915 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું.
  • શરૂઆતમાં ત્રણ દરવાજા બે ફૂટ ખોલીને 7597 ક્યુસેક પાણી છોડાયું હતું.

Mehsana Rain News: ધરોઈ ડેમમાં ઉપરવાસથી થઈ રહેલી ભારે પાણીની આવકને કારણે કાંઠાના ગામોને એલર્ટ પર મૂકવામાં આવ્યા છે. ફાયર વિભાગ દ્વારા ગામડે ગામડે ફરીને લોકોને નદી કિનારે ન જવાની સૂચના આપવામાં આવી છે. સાબરમતી જળાશય યોજનાના ધરોઈ ડેમની જળ સપાટી હાલ 91.28 ટકાએ પહોંચી છે. ડેમમાં 26420 ક્યુસેક પાણીની આવક સામે 65,864 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું. ધરોઈ ડેમના દરવાજા ખોલવામાં આવતા ગાંધીનગર જિલ્લાના સંત સરોવર ડેમમાં પણ પાણીનો પ્રવાહ વધ્યો છે.

ગઈકાલે વહેલી સવારે સંત સરોવર ડેમના પાંચ દરવાજા ખોલીને 12915 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું. આ પ્રક્રિયા તબક્કાવાર રીતે કરવામાં આવી હતી. શરૂઆતમાં ત્રણ દરવાજા બે ફૂટ ખોલીને 7597 ક્યુસેક પાણી છોડાયું હતું, ત્યારબાદ વધુ બે ગેટ ખોલીને કુલ પાંચ ગેટમાંથી 12915 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું. જોકે, ઉપરવાસમાંથી પાણીની આવક માત્ર 375 ક્યુસેક જેટલી જ હતી. આ પાણી છોડવાને કારણે સાબરમતી નદીમાં જળસ્તર વધ્યું છે, જેના પગલે નદી કિનારાના 28 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.

આ એલર્ટમાં ગાંધીનગર તાલુકાના 17 ગામો, માણસા તાલુકાના 10 ગામો અને કલોલ તાલુકાના એક ગામનો સમાવેશ થાય છે. ગાંધીનગરના કલેક્ટર મહેલુ દવેની સૂચના મુજબ, ફાયર અને ઈમરજન્સી ટીમોએ નદી કિનારે વસતા નાગરિકોને પબ્લિક એનાઉન્સમેન્ટ સિસ્ટમ દ્વારા સાવચેત રહેવા સંદેશા આપ્યા છે. બીજી બાજુ, જિલ્લામાં આજે પણ છૂટાછવાયા ઝાપટાં નોંધાયા હતા અને અત્યાર સુધીમાં સિઝનનો કુલ 60.96 ટકા વરસાદ નોંધાઈ ચૂક્યો છે. દહેગામ તાલુકામાં સૌથી વધુ 77.78 ટકા વરસાદ નોંધાયો છે, જ્યારે કલોલ તાલુકામાં સૌથી ઓછો 47.42 ટકા વરસાદ પડ્યો છે.