Mehsana News: ગઈકાલે વડનગર તાલુકાના જૂની વાગડી ગામે સાબરમતી નદીમાં સવારે રેતી ભરવા ગયેલા સાત યુવાનો અચાનક પાણીનો પ્રવાહ આવતા ફસાઈ ગયા હતા. ધરોઈ ડેમમાંથી પાણી છોડવામાં આવતા નદી બે કાંઠે વહેવા લાગી હતી, જેના કારણે વાગડી અને શોભાસણ ગામના આ સાત યુવાનો બે ટ્રેક્ટર સાથે નદીમાં ફસાઈ ગયા હતા. પાણીનો પ્રવાહ વધતા યુવાનો બચવા માટે એક બેટ પર ચડી ગયા હતા. આ ઘટનાની જાણ થતા ગ્રામજનો નદી કિનારે દોડી આવ્યા હતા અને તંત્રને જાણ કરવામાં આવી હતી.
પ્રારંભિક બચાવ કામગીરી સ્થાનિક ફાયર ટીમ દ્વારા શરૂ કરવામાં આવી હતી, પરંતુ તે નિષ્ફળ ગઈ હતી. સ્થાનિક ફાયરની ટીમ રેસ્ક્યૂ કરવા જતાં બોટ પલટી મારી હતી, જેના કારણે તરવૈયા પણ બોટ સાથે તણાયા હતા. જોકે, અન્ય ટીમે દોરડા નાખી તેમને બચાવી લીધા હતા. પાણીનો વધુ પ્રવાહ અને વરસાદના કારણે ગઈકાલે આખો દિવસ રેસ્ક્યૂ કામગીરીમાં અડચણો આવી હતી. ફસાયેલા યુવાનો આખી રાત ભૂખ્યા તરસ્યા ટ્રેક્ટરની ટ્રોલી નીચે વિતાવવા મજબૂર બન્યા હતા.
આજે વહેલી સવારે NDRFની ટીમને બોલાવવામાં આવી હતી. NDRFની ટીમે મહામહેનતે ૨૪ કલાક બાદ સાત યુવકોને નદીમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા. રેસ્ક્યૂ બાદ કિનારે આવતા યુવકો અને બચાવ ટીમો બંનેએ રાહતનો શ્વાસ લીધો હતો. આ રીતે સાબરમતી નદીમાં ફસાયેલા તમામ યુવાનોનો જીવ બચાવી લેવામાં આવ્યો હતો.
ફસાયેલા યુવકોના નામ
- ઠાકોર દિનેશજી અરજણજી (રહે. શોભાસણ)
- યોગેશજી રમેશજી ઠાકોર (રહે. શોભાસણ)
- વાલાજી ફકીરજી ઠાકોર (રહે. શોભાસણ)
- પ્રવિણજી મફાજી ઠાકોર (રહે. શોભાસણ)
- વિરેશજી ઉદાજી ઠાકોર (રહે. શોભાસણ)
- મકવાણા કમલેશભાઈ (રહે. વાગડી)
- અશ્વિન રમેશભાઈ (રહે. સંજેરી)