Mahisagar: મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના વાવકુવા ગામ નજીક પ્રખ્યાત અડદરી માતાના ધોધમાં તણાઈ જવાથી બે મિત્રોના મોત નીપજ્યા હોવાનો બનાવ સામે આવ્યો છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, મૂળ રાજસ્થાનના વતની પ્રિન્સકુમાર અને સુનિલ ડામોર પોતાના મિત્ર સાથે બાઈક પર ખાનપુર તાલુકાના વાવકુવા ગામની નજીક આવલા અડદરી ધોધ ફરવા માટે આવ્યા હતા. જ્યાં તેઓ પોતાનું બાઈક પાર્ક કરીને ધોધ પાસે પહોંચ્યા હતા. આ સમયે ત્યાં ઉપસ્થિત અન્ય સહેલાણીઓને પાણીમાં કોઈ તણાયું હોવાની શંકા જતાં તાત્કાલિક પોલીસને જાણ કરી હતી.
આ બાબતની જાણ થતાં ખાનપુર પોલીસની ટીમ તેમજ લુણાવાડા નગર પાલિકાની ફાયર બ્રિગેડની ટીમ સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. જ્યાં ધસમસતા પાણીના પ્રવાહ વચ્ચે 6 કલાકની જહેમતના અંતે રેસ્ક્યુ ટીમે બન્ને મિત્રોના મૃતદેહ બહાર કાઢ્યા હતા.
હાલ તો પોલીસે બન્નેના મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે સરકારી હોસ્પિટલમાં મોકલી આપ્યા છે. જ્યારે આ બનાવ અંગે બન્ને મૃતકોના પરિવારને પણ જાણ કરી દેવામાં આવી છે. હાલ તો પોલીસે આ મામલે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
જણાવી દઈએ કે, અડદરી માતાનો ધોધ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે, પરંતુ વરસાદની સિઝનમાં પાણીના વધતા પ્રવાહ વચ્ચે આવા ધોધની નજીક જવું કે તેમા સ્નાન કરવું જીવલેણ નીવડી શકે છે. સ્થાનિકો પણ આ જગ્યાએ ચેતવણી સૂચક બોર્ડ લગાવવા તેમજ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવાની માંગ કરી રહ્યા છે. જેથી ભવિષ્યમાં આવી કોઈ દુર્ઘટના ના ઘટે.