Mahisagar News: મહીસાગર જિલ્લામાં ભારે વરસાદને કારણે નદી-નાળાઓમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. લુણાવાડાના વિરાણીયા ગામનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં લોકો નાના બાળકોને કેદમાં લઈને ઉફાન મારતા નાળામાંથી જીવના જોખમે પસાર થવા મજબૂર બન્યા છે.
ગામલોકોના જણાવ્યા મુજબ અહીં પુલ બનાવવા માટે રૂપિયા 72 લાખ મંજૂર થયા હતા છતાં કામ શરૂ થયું નથી, જેના કારણે દરેક વરસાદી સિઝનમાં ગામ લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.

ગુજરાતી જાગરણની ટીમે આ મુદ્દે લુણાવાડા વિધાનસભાના ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણ સાથે વાત કરી હતી. ધારાસભ્યે જણાવ્યું કે રસ્તો 2021માં મંજૂર થયો હતો. પરંતુ કોતર ઉપર નાળું ટકી શકતું નથી અને વારંવાર તૂટી જાય છે. આ કારણે પ્રોજેક્ટને રિવાઈઝ કરીને બ્લોક કન્વર્ટમાં બદલવામાં આવ્યો છે જેથી કાયમી રસ્તો બને.
આ પણ વાંચો

ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણે વધુમાં જણાવ્યું હતું કે, વિરાણીયા પાસે ભાટપુર ગામે પુલ છે, જ્યાંથી લોકો પસાર થઈ શકે છે. શિવરાજપુર તરફ પણ નાળું છે, જેનો ઉપયોગ કરી શકાય છે. તેમણે ઉમેર્યું કે 2021ના નવેમ્બરમાં આ કામ માટે જોબ નંબર મળી ગયો છે. અગાઉ પંચાયત દ્વારા બનાવવામાં આવેલ નાળું પણ તણાઈ ગયું હતું. હાલમાં પ્રોજેક્ટ રિવાઈઝ પ્રક્રિયામાં છે અને ટૂંક સમયમાં કાયમી બ્લોક કન્વર્ટ પુલનું કામ શરૂ થવાની ધારણા છે.