Vadodara: વડોદરા સહિત સમગ્ર ગુજરાતમાં ઓવર સ્પીડના કારણે અકસ્માતના બનાવોમાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે. ગઈકાલે ગાંધીનગરના રાંદેસણમાં બેકાબુ કારના ચાલક નબીરાએ નશામાં ધૂત થઈને 5 લોકોને અડફેટે લેતા બેના મોત નીપજ્યા હતા. એવામાં આજે વડોદરાના ગોત્રી વિસ્તારમાં અકસ્માતનો બનાવ સામે આવ્યો છે. જેમાં બેકાબુ કારે અડફેટમાં લેતા એક વર્ષની બાળકીનું મોત નીપજ્યું છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, ગોત્રી વિસ્તારમાં આવેલી ગોત્રી કો-ઓપરેટિંગ હાઉસિંગ સોસાયટીમાં શ્રમજીવી પરિવારની એક વર્ષની દીકરી એલિસા નિનામા પોતાના ઘર આંગણે રમી રહી હતી. આ સમયે બેકાબુ કારના ચાલકે પોતાનું વાહન બેદરકારીપૂર્વક હંકારીને એલિસાને ઠોકરે ચડાવી હતી.
આ પણ વાંચો
આ અકસ્માતમાં કાર નીચે કચડાયેલી એલિસાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતુ. જેના પગલે સ્થાનિક રહેવાસીઓ દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરી હતી. આ બાબતની જાણ થતાં ઘટના સ્થળે આવી પહોંચેલી પોલીસે કાર કબજે લઈને તેના ચાલકને ઝડપી પાડ્યો હતો.
પોલીસની પ્રાથમિક પૂછપરછમાં કારના ચાલકની ઓળખ અર્જુનસિંહ ચાવડા તરીકે થઈ છે. આ અકસ્માતના પગલે શ્રમજીવી પરિવારના માથે આભ ફાટી પડ્યું છે. જ્યારે સ્થાનિક રહેવાસીઓએ, બેદરકારીપૂર્વક ડ્રાઈવિંગ કરનારા સામે કડક પગલા લેવાની માંગ કરી છે.
