વડોદરા: ખંડેરાવ માર્કેટ પાસે સફરજનના ગોડાઉનમાં ભીષણ આગ, મોટી દુર્ઘટના ટળી

પ્રાથમિક અનુમાન મુજબ શોર્ટ સર્કિટના કારણે આ આગ લાગી હોવાનું માનવામાં આવી રહ્યું છે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Mon, 26 Oct 2026 11:30 PM (IST)Updated: Mon, 26 Oct 2026 11:30 PM (IST)
khanderao-market-fruit-warehouse-fire-vadodara-fire-brigade-extinguished-fire

Vadodara Fire Incident: સોમવારે રાત્રીના સમયે વડોદરા શહેરના ગીચ અને વ્યસ્ત ગણાતા ખંડેરાવ માર્કેટ વિસ્તારમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. અહીં એક ફ્રુટની દુકાનમાં આવેલા ગોડાઉનમાં અચાનક આગ ફાટી નીકળતા આસપાસના વિસ્તારમાં ભારે અફરાતફરી અને દોડધામ મચી ગઈ હતી. પ્રાથમિક અનુમાન મુજબ શોર્ટ સર્કિટના કારણે આ આગ લાગી હોવાનું માનવામાં આવી રહ્યું છે.

ઘટનાની વિગતો મુજબ, ખંડેરાવ માર્કેટ પાસે આવેલી એક ફ્રુટનીદુકાનના પાછળના ભાગમાં આવેલા સફરજનના ગોડાઉનમાં અચાનક ધુમાડાના ગોટેગોટા નીકળતાં નજરે પડ્યા હતા. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું. ગોડાઉનમાં મોટી સંખ્યામાં સફરજનના બોક્સ અને પેકિંગ સામગ્રી પડેલી હોવાથી આગ ઝડપથી પ્રસરી હતી. સ્થાનિક વેપારીઓ અને રાહદારીઓએ આગની લપટો જોઈને તાત્કાલિક ધોરણે ફાયર બ્રિગેડને જાણ કરી હતી.

આગ લાગવાની સૂચના મળતાની સાથે જ વડોદરા ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ફાયર લાશ્કરો ગાડીઓ સાથે ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. બીજી બાજુ, કાયદો અને વ્યવસ્થા જાળવવા તેમજ લોકોની ભીડને નિયંત્રિત કરવા માટે નવાપુરા પોલીસ સ્ટેશનનો સ્ટાફ પણ તુરંત કાફલા સાથે ઘટનાસ્થળે પહોંચી ગયો આસપાસના રસ્તા પરથી વાહનવ્યવહાર ડાયવર્ટ કરાવી અને સુરક્ષાના ભાગરૂપે લોકોની ભીડને ગોડાઉનથી દૂર રાખી હતી.

ફાયર બ્રિગેડના જવાનોએ ભારે જહેમત અને કુશળતા દાખવીને આગ પર કાબૂ મેળવવા સઘન કામગીરી હાથ ધરી હતી. પાણીનો મારો ચલાવીને આગને વધુ ફેલાતી અટકાવવામાં આવી હતી. સમયસર ફાયર બ્રિગેડની ગાડીઓ પહોંચી જવાથી અને તાત્કાલિક કાર્યવાહી કરવાથી આસપાસની અન્ય દુકાનો અને વ્યાપારી સંકુલો સુધી આગ પહોંચતી અટકી, જેના કારણે એક મોટી દુર્ઘટના ટળી ગઈ હોવાનો હાશકારો અનુભવ્યો હતો.

આગની આ ઘટનાને પગલે ખંડેરાવ માર્કેટ વિસ્તારમાં મોટી સંખ્યામાં લોકોના ટોળાં એકઠા થઈ ગયા હતા. જોકે, તંત્રની સક્રિયતાને કારણે ટૂંક સમયમાં જ પરિસ્થિતિ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી, પરંતુ ગોડાઉનમાં રહેલા માલસામાનને નુકસાન થયું હોવાની આશંકા છે. સ્થાનિક પ્રશાસન દ્વારા આગ લાગવાના ચોક્કસ કારણો અને નુકસાન અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.