વાઘોડિયાના જરોદમાં ₹1.28 કરોડના વિદેશી દારૂ સાથે ચાર શખ્સો ઝડપાયા, બિશ્નોઈ ગેંગ સાથે સંબંધનો દાવો

વડોદરા ગ્રામ્ય LCB ટીમે દરોડા પાડી વિદેશી દારૂનો જથ્થો સંગ્રહ કરવા માટે બનાવાયેલું ગુપ્ત ગોડાઉન ઝડપી પાડ્યું છે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Mon, 26 Oct 2026 10:03 PM (IST)Updated: Mon, 26 Oct 2026 10:03 PM (IST)
vadodara-rural-lcb-arrested-bishnoi-gang-associates-seized-liquor-in-jarod

Vadodara Crime News: વડોદરા જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર લગામ કસતા વડોદરા ગ્રામ્ય LCB ટીમે વાઘોડિયા તાલુકાના જરોદ ગામે મોટી કાર્યવાહી કરી હતી. LCB પોલીસે બાતમીના આધારે દરોડો પાડીને ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો સંગ્રહ કરવા માટે બનાવાયેલું ગુપ્ત ગોડાઉન ઝડપી પાડ્યું છે. પોલીસે કરોડો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવાની સાથે કુખ્યાત બિશ્નોઈ ગેંગ સાથે સંકળાયેલા ચાર શખ્સોની અટકાયત કરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, વડોદરા ગ્રામ્ય LCB પોલીસ ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે વાઘોડિયા તાલુકાના જરોદ પોલીસ સ્ટેશનની હદમાં આવતા કોટંબી ગામ પાસે આવેલા શાહ ઈન્ડસ્ટ્રીયલ પાર્ક-3 માં ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલી રહી છે. બાતમીના આધારે તાત્કાલિક ધોરણે શાહ ઈન્ડસ્ટ્રીયલ પાર્ક-3 માં 'સાઈનાથ એન્ટરપ્રાઈઝ' નામની કંપની પર રેડ પાડી હતી.

પોલીસ તપાસમાં બહાર આવ્યું કે, આરોપીઓ સાઈનાથ એન્ટરપ્રાઈઝની આડમાં વિદેશી દારૂનો મોટો જથ્થો છુપાવવા માટે ગુપ્ત ગોડાઉન બનાવી રાખ્યું હતું. કંપનીના ગોડાઉનની સઘન તલાશી લેતા તેમાંથી મોટા પ્રમાણમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને બીયરનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે દારૂ, વાહનો અને અન્ય સામગ્રી મળીને રૂ. 1.28 કરોડની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

આ દરોડા દરમિયાન ઘટના સ્થળેથી પોલીસે ચાર ઇસમોને ઝડપી પાડ્યા હતા અને તેમની અટકાયત કરી હતી. LCB દ્વારા કરવામાં આવેલી પ્રાથમિક પૂછપરછ અને તપાસમાં એક ચોંકાવનારો ખુલાસો થયો છે કે ઝડપાયેલા આ ચારેય ઈસમો કુખ્યાત 'બિશ્નોઈ ગેંગ' સાથે સંકળાયેલા છે. આ બાબત સામે આવતા જ પોલીસ બેડામાં પણ ચકચાર મચી ગઈ છે.

વડોદરા ગ્રામ્ય LCB દ્વારા અટકાયત કરાયેલા ચારેય આરોપીની કડક પૂછપરછ હાથ ધરવામાં આવી છે. આ વિદેશી દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને ગુજરાતના કયા કયા વિસ્તારોમાં અથવા કોને સપ્લાય કરવામાં આવનાર હતો તે દિશામાં પોલીસ તપાસ કરી રહી છે. આ નેટવર્ક સાથે જોડાયેલા અન્ય શખ્સોના નામ પણ બહાર આવવાની સંભાવના છે.

વડોદરા ગ્રામ્ય LCB ટીમની આ જ્વલંત અને સફળ કામગીરીથી વાઘોડિયા પંથક તેમજ આસપાસના વિસ્તારોમાં સક્રિય થયેલા દારૂ માફિયાઓ અને બુટલેગરોમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો છે. પોલીસે કરેલી આ કડક કાર્યવાહીથી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ આચરનારા સામે દાખલારૂપ કડક સંદેશો ગયો છે.