વડોદરા: VMC કચરાના ટેમ્પોની ટક્કરે યુવાનનું મોત, દેશી દારૂની કોથળી મળી; પોલીસે કરી ચાલકની અટકાયત

પોલીસે અકસ્માત સર્જનાર ટેમ્પો ચાલકની અટકાયત કરી તેની સામે ગુનો નોંધી કાયદેસરની તપાસ હાથ ધરી છે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Mon, 26 Oct 2026 09:24 PM (IST)Updated: Mon, 26 Oct 2026 09:24 PM (IST)
vmc-garbage-tempo-accident-anil-thakor-death-makarpura-vadodara-news

Vadodara News: વડોદરામાં માર્ગ અકસ્માતો અટકવાનું નામ નથી લઈ રહ્યા. શહેરના મકરપુરા વિસ્તારમાં વડોદરા મહાનગરપાલિકાના ડોર-ટુ-ડોર કચરા કલેક્શનના થ્રી-વ્હીલર ટેમ્પો ચાલકે સર્જેલા અકસ્માતમાં એક 31 વર્ષીય નિર્દોષ યુવકે જીવ ગુમાવ્યો છે. ગંભીર બાબત એ સામે આવી કે, અકસ્માત સર્જનાર ટેમ્પોમાંથી દેશી દારૂની કોથળી મળી આવતા ચાલક નશાની હાલતમાં હોવાના ગંભીર આક્ષેપો સાથે સ્થાનિકોમાં ભારે આક્રોશ વ્યાપી ગયો છે.

મળતી માહિતી મુજબ, મકરપુરા વિસ્તારમાં જશોદા કોલોની ખાતે રહેતા 31 વર્ષીય અનિલ સોમાભાઈ ઠાકોર ઘરની બહાર બેઠા હતા. આ દરમિયાન વડોદરા મહાનગરપાલિકામાં કચરો ઉઘરાવતા એક થ્રી-વ્હીલર ટેમ્પોના ચાલકે પોતાના વાહન પરથી કાબૂ ગુમાવી બેફામ અને ગફલતભરી રીતે ટેમ્પો અનિલભાઈ પર ચઢાવી દીધો હતો. આ ટક્કર એટલી ભયાનક હતી કે અનિલભાઈ ગંભીર રીતે ઘવાયા અને ઘટનાસ્થળે જ લોહીલુહાણ થઈ ગયા હતા.

અકસ્માત સર્જાતા જ આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને ઈજાગ્રસ્ત અનિલભાઈને તાત્કાલિક સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. ત્યાંથી તેમની નાજુક હાલતને ધ્યાનમાં રાખી વધુ સારવાર અર્થે સયાજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા, જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. મૃતક અનિલભાઈ ખાનગી કંપનીમાં નોકરી કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા.

ઘરના કમાઉ અને મુખ્ય સભ્યના અકાળે અવસાનથી પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે અને સમગ્ર જશોદા કોલોનીમાં ઘેરા શોકની કાલિમા છવાઈ ગઈ છે. ઘટના બાદ રોષે ભરાયેલા સ્થાનિક લોકોએ ટેમ્પોની તલાશી લેતા તેમાંથી દેશી દારૂની કોથળીઓ અને બોટલો મળી આવી હતી. સ્થાનિકોનો સ્પષ્ટ આક્ષેપ છે કે ટેમ્પો ચાલક સંપૂર્ણપણે નશામાં ધૂત થઈને વાહન હંકારી રહ્યો હતો.

બનાવની જાણ થતાં જ મકરપુરા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે અકસ્માત સર્જનાર ટેમ્પો ચાલકની અટકાયત કરી તેની સામે ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.