Mahisagar Student Fight: બાલાસિનોરમાં અમદાવાદ જેવી ઘટના, બોલાચાલી બાદ વિદ્યાર્થીએ ચપ્પુથી હુમલો કર્યો, વાલીઓ મોટી ચિંતામાં

ગતરોજ સાંજે શાળાનો સમય પૂરો થયા બાદ ધોરણ 8ના બે વિદ્યાર્થીઓ વચ્ચે બોલાચાલી થઈ હતી. આ વિવાદ એટલો વધી ગયો કે એક વિદ્યાર્થીએ નાના ચપ્પુથી બીજા વિદ્યાર્થી પર હુમલો કરી દીધો.

By: Kishan PrajapatiEdited By: Kishan Prajapati Publish Date: Fri 22 Aug 2025 08:21 AM (IST)Updated: Fri 22 Aug 2025 08:21 AM (IST)
balasinore-student-attacked-with-paddle-after-fight-ahmedabad-like-incident-sparks-fear-and-worry-among-parents-589656
HIGHLIGHTS
  • હુમલામાં પીડિત વિદ્યાર્થીના ખભા અને પેટના ભાગે ઈજા પહોંચી છે.
  • તેને તાત્કાલિક દવાખાને ખસેડવામાં આવ્યો છે, જ્યાં સારવાર ચાલી રહી છે.

Mahisagar Student Fight: અમદાવાદ બાદ હવે મહીસાગર જિલ્લામાં પણ વિદ્યાર્થી વચ્ચે નજીવી બાબતે હુમલાની ઘટના સામે આવી છે. બાલાસિનોર શહેરના તળાવ પાસે આવેલી એક સરકારી શાળામાં બનેલી આ ઘટનાએ ચકચાર મચાવી છે. ગતરોજ સાંજે શાળાનો સમય પૂરો થયા બાદ ધોરણ 8ના બે વિદ્યાર્થીઓ વચ્ચે બોલાચાલી થઈ હતી. આ વિવાદ એટલો વધી ગયો કે એક વિદ્યાર્થીએ નાના ચપ્પુથી બીજા વિદ્યાર્થી પર હુમલો કરી દીધો.

હુમલામાં પીડિત વિદ્યાર્થીના ખભા અને પેટના ભાગે ઈજા પહોંચી છે. તેને તાત્કાલિક દવાખાને ખસેડવામાં આવ્યો છે, જ્યાં સારવાર ચાલી રહી છે. આ બંને વિદ્યાર્થીઓ એક જ કોમના હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટનાના સમયે શાળાના શિક્ષકો બહાર નીકળી રહ્યા હતા અને અનેક વિદ્યાર્થીઓ પણ આસપાસ હાજર હતા.

આ ઘટના બાદ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો છે, જેમાં પીડિત વિદ્યાર્થી જણાવી રહ્યો છે કે, “એણે મને થપ્પડ મારી, તેથી હું પણ તેને મારવા ગયો હતો, પણ તેણે ચપ્પુ કાઢી માર્યો.” વીડિયોમાં પીડિતના ખભા અને પેટ પર ઘા દેખાઈ રહ્યા છે.

આ બનાવ પછી મોટો સવાલ એ છે કે, નાનો વિદ્યાર્થી ચપ્પુ લઈને શાળામાં કેવી રીતે આવ્યો? છેલ્લા કેટલાક દિવસોમાં ગુજરાતમાં આવા બનાવો વધતા જતા વાલીઓમાં ચિંતા ફેલાઈ છે. હાલમાં બાલાસિનોર પોલીસે ફરિયાદ નોંધાવી તપાસ શરૂ કરી છે. આ ઘટના શાળા સુરક્ષા અને બાળકોમાં વધતા હિંસક વલણ અંગે ગંભીર પ્રશ્નો ઉભા કરે છે. નિષ્ણાતોનું માનવું છે કે, વાલીઓ અને શાળાઓએ મળીને બાળકોને યોગ્ય માર્ગદર્શન આપવાની તાકીદ છે.