Junagadh News: નવરાત્રીના પર્વની તૈયારીઓ ચાલી રહી છે, ત્યારે જૂનાગઢના ખલીલપુર રોડ પર દાંડિયા કલાસીસમાં યુવતીઓની છેડતીની ઘટના સામે આવતા ખળભળાટ મચી ગયો છે. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને ત્રણ વિધર્મી શખ્સોની ધરપકડ કરી છે, જેમાં એક સગીર પણ સામેલ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, ખલીલપુર ચોકડી નજીક દાંડિયા કલાસીસ બહાર ઉભેલી યુવતીઓ સાથે શેફાજ ઈકબાલ ખમીરાણા, આમીર રફીક અને એક સગીરે છેડતી કરી હતી. આરોપીઓએ યુવતીઓ સામે ઈશારા કર્યા અને અભદ્ર ટિપ્પણીઓ કરી હતી. એટલું જ નહીં, તેઓએ યુવતીઓને ધમકી પણ આપી હતી કે 'અમે તો જોશું, તમારાથી થાય તે કરી લેવું.' આરોપીઓએ ચારેક વખત બાઈક ફેરવીને યુવતીઓને હેરાન કરી હતી.
ઘટનાની જાણ થતાં જ પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને શેફાજ, આમીર અને સગીરની ધરપકડ કરી હતી. યુવતીઓએ ત્રણેય સામે વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ડીવાયએસપી હિતેશ ધાંધલીયાએ જણાવ્યું હતું કે પોલીસ દ્વારા કાયદેકસરની કાર્યવાહી કરવામાં આવી છે. નવરાત્રી અને દાંડિયા કલાસીસના સંચાલકો તેમજ મહિલાઓને અપીલ છે કે જો કોઈ આ પ્રકારની માનસિકતા ધરાવતા તત્વો જોવા મળે તો તાત્કાલિક પોલીસને જાણ કરે જેથી કડક કાર્યવાહી કરી શકાય.