Dahod: દાહોદ જિલ્લાના લીમખેડામાં આંતરરાષ્ટ્રીય આદિવાસી દિવસના અવસરે બિરસા મુંડાની મૂર્તિનું અનાવરણ કરવામાં આવ્યું હતું. જો કે આ કાર્યક્રમ દરમિયાન તક્તીને લઈને રોષે ભરાયેલા આદિવાસીઓ ધરણાં પર બેસી જતાં રાજકીય વિવાદ સર્જાયો છે.
હકીકતમાં સર્કલ પર અગાઉ લગાવવામાં આવેલી આદિવાસી પરિવારની તક્તી હટાવીને દાહોદથી ભાજપના સાંસદ જશવંદસિંહ ભાભોર અને લીમખેડાના ધારાસભ્ય શૈલેષ ભાભોરના નામની તક્તી લગાવી દેવામાં આવી હતી. જેનો આદિવાસી સમાજ દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો.
જ્યારે મૂર્તિ અનાવરણ માટે સાંસદ જશવંતસિંહ પહોંચ્યા, ત્યારે હાજર લોકોએ તેમના વિરુદ્ધ સુત્રોચાર કર્યાં હતા. આ સમયે આમ આદમી પાર્ટીના નેતા નરેશ બારીયા સહિતના કાર્યકર્તાઓ ધરણાં પર બેસી જતાં વાતાવરણ તંગ બન્યું હતુ.
વિરોધીઓનો આક્ષેપ છે કે, બિરસા મુંડા આદિવાસી સમાજના ગૌરવનું પ્રતિક છે. તેમના સ્થળે રાજકીય નેતાઓના નામ લગાવવા યોગ્ય નથી. આ મામલે વિરોધ વધતા પોલીસ દ્વારા મધ્યસ્થી કરીને મામલો થાળે પાડવામાં આવ્યો હતો.
જણાવી દઈએ કે, આંતરરાષ્ટ્રીય આદિવાસી દિવસના દિવસે જ બનેલી આ ઘટનાએ આદિવાસી સમાજમાં અસંતોષનો માહોલ ઉભો કર્યો છે અને આગમી દિવસોમાં આ મુદ્દે રાજકીય ગરમાવો વધવાની શક્યતા છે.