Vadodara: વડોદરા જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ગુનાખોરી ડામવા તેમજ ગેરકાયદે હેરાફેરી સામે સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત હાઇવે પર સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે, ત્યારે આજે કરજણ હાઈવે પર LCBની ટીમને મોટી સફળતા હાથ લાગી છે. જેમાં રૂ. 1.06 કરોડના ગેરકાયદેસર ઓટો પાર્ટ્સ લઈને જતા ટ્રક સાથે બે ઈસમોને ઝડપી પાડવામાં આવ્યા છે.
હકીકતમાં વડોદરા જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચના હેડ કોન્સ્ટેબલ ધવલસિંહને બાતમી મળી હતી કે, મહારાષ્ટ્ર પાસિંગની એક ટ્રકમાં ગેરકાયદે ઓટોપાર્ટસનો જથ્થો ભરી ભરૂચ તરફ લવાઈ રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસ ઈન્સ્પેક્ટર સિસોદીયા અને તેમની ટીમે ભરથાણા ટોલનાકા નજીક વોચ ગોઠવી ઉભી હતી. આ દરમિયાન બાતમીવાળી ટ્રક આવતા તેને કોર્ડન કરી અંદર તપાસ કરતા ટ્રકમાંથી રૂ. 1.06 કરોડના ઓટો પાર્ટસનો જંગી જથ્થો મળી આવ્યો હતો.
આ પણ વાંચો
પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે, ટ્રક ચાલક અને ક્લીનર પાસે કોઈ બિલ કે માલસામાન સંબંધિત આધાર પુરાવા નહતા. તેઓ માલ ક્યાંથી લાવ્યા અને ક્યાં પહોંચાડવાનો હતો? તેની માહિતી આપી શક્યા નહોતા. આથી પોલીસે ટ્રક સહિતનો કુલ રૂ. 1.16 કરોડનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
આ પ્રકરણમાં મહારાષ્ટ્રના મારૂતી અર્જુન સુદે અને અંકુશ લક્ષ્મણ તીડકેની અટકાયત કરી કરજણ પોલીસને હવાલે કરાયા છે. પોલીસે ગુનાની આગળની તપાસ હાથ ધરી છે અને માલસામાનના સ્ત્રોત તથા ગેરકાયદે હેરાફેરીના નેટવર્ક અંગે તપાસ શરૂ કરી છે.