Bharuch: ભરૂચ જિલ્લાના વાલીયામાં આવેલ ગોદરેજ ઈન્ડસ્ટ્રીઝ સાથે રૂ. 12.62 કરોડની છેતરપિંડી આચરવામાં આવી હોવાનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે. આ મામલે પોલીસે કંપનીના આસિસ્ટન્ટ મેનેજર વિરુદ્ધ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, અંકલેશ્વર સ્થિત ગાર્ડન સિટીમાં રહેતા અને ગોદરેજ ઈન્ડસ્ટ્રીઝ કંપનીમાં યુનિટ હેડ તરીકે ફરજ બજાવતા સુબિશ નાયરે વાલીયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પોતાની ફરિયાદમાં તેમણે કંપનીમાં આસિસ્ટન્ટ મેનેજર તરીકે કામ કરતાં શૈલેષકુમાર મહેતા (રહે. ક્રિષ્નાનગર, ભરૂચ)નું નામ આપ્યું છે.
આ પણ વાંચો
પોલીસ ફરિયાદમાં જણાવ્યા મુજબ, શૈલેષ મહેતાએ કંપનીમાં ઉપયોગમાં લેવાતા 7 જેટલા કેમિકલ્સ મટીરિયલ્સની ગુણવત્તા ચકાસ્યા વિના તેને સ્ક્રેપ મટીરિયલ્સ ગણાવી દીધા હતા. જેની કિંમત 17.30 કરોડ રૂપિયા હતી, પરંતુ શૈલેષ મહેતાએ માત્ર 4.68 કરોડમાં તેનું વેચાણ બતાવ્યું હતુ. જ્યારે બાકીના 12.62 કરોડ રૂપિયાની ગેરરીતિ આચરીને કંપનીને નુકસાન પહોંચાડ્યું છે.
આટલું જ નહીં, આરોપીએ માત્ર મટીરિયલ્સના વેચાણમાં જ નહીં, પરંતુ કંપનીના રેકોર્ડમાં પણ ખોટી એન્ટ્રીઓ પાડી છે. જેના પરિણામે હિસાબોમાં પણ ગરબડ થઈ છે. શૈલેષની આ હરકતથી કંપનીને મોટું આર્થિક નુકસાન થયું છે.
હાલ તો વાલીયા પોલીસે શૈલેષકુમાર મહેતા વિરુદ્ધ છેતરપિંડી સહિતની જોગવાઈઓ હેઠળ ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે. પોલીસે આરોપીની ગેરરીતિના તમામ પાસાઓની તપાસ શરૂ કરી છે અને અન્ય કોઈ સંકળાયેલા લોકો છે કે નહીં તે દિશામાં પણ તપાસ ચાલી રહી છે.