PM Narendra Modi Gujarat Visit: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અને આવતીકાલે ગુજરાતના પ્રવાસે છે. આ દરમિયાન વડાપ્રધાનની સભાનું આયોજન કરાયું છે. આ દરમિયાન તેઓ વિવિધ કાર્યક્રમોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે. તેમજ અમદાવાદમાં એક જાહેર સભાને સંબોધન કરવાના છે. આ સભા અમદાવાદના નિકોલ ખાતે આવેલા ખોડલધામ ગ્રાઉન્ડમાં યોજાશે. બીજી તરફ, અમદાવાદમાં ગઈકાલ રાતથી જ ભારે વરસાદ વરસી રહ્યો છે અને હવામાન વિભાગ દ્વારા હજુ પણ બે દિવસ અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જ્યારે સમગ્ર રાજ્યમાં આગામી સપ્તાહ સુધી વરસાદની શક્યતા છે. ત્યારે વોટરપ્રૂફ ડોમ બનાવવામાં આવ્યા છે.
અમદાવાદમાં PM નરેન્દ્ર મોદીની સભાસ્થળ પર વરસાદી પાણીની સમસ્યા અને નિવારણ વરસાદના કારણે, સભાસ્થળ એટલે કે ખોડલધામ ગ્રાઉન્ડના પાછળના ભાગમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા અને કાદવ કીચડ થઈ ગયો હતો. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર દ્વારા પાણીના નિકાલની કામગીરી હાથ ધરવામાં આવી છે. વધુ વરસાદને કારણે ફરીથી પાણી ન ભરાય અને સભા દરમિયાન કોઈ અગવડ ન પડે તે માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. જાહેર સભા માટે એક વોટરપ્રૂફ ડોમ બનાવવામાં આવ્યો છે જેથી વરસાદ વરસે તો પણ ડોમની અંદર બેઠેલા લોકોને પાણીથી કોઈ મુશ્કેલી ન પડે.
લોકોની સુવિધા માટે તંત્ર સજ્જ વરસાદની આગાહી અને સભાસ્થળ પર પાણી ભરાવાની સંભવિત પરિસ્થિતિને જોતા, તંત્ર દ્વારા અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. મોટી સંખ્યામાં લોકો આ સભામાં આવવાના હોવાથી તેમને કોઈ અગવડતા ન પડે કે કોઈ મુશ્કેલી ન સર્જાય તેની ખાતરી કરવામાં આવી રહી છે. સભાસ્થળ પરની તમામ જરૂરી વ્યવસ્થાઓ કોર્પોરેશન દ્વારા પૂર્ણ કરવામાં આવી રહી છે, જેથી વડાપ્રધાનની જાહેર સભા સફળતાપૂર્વક યોજાઈ શકે.