Khel Mahakumbh: ચાલુ વર્ષે સમગ્ર ગુજરાત રાજ્યમાં ખેલ મહાકુંભનું આયોજન થનાર છે. તે માટે વિવિધ વય જૂથના ખેલાડીઓ માટે વિવિધ પ્રકારની રમતોનું ગ્રામ્ય કક્ષાથી શરૂ કરી રાજ્યકક્ષા સુધી સ્પર્ધાઓનું આયોજન કરેલ છે.ખેલ મહાકુંભના સુચારૂ આયોજન માટે ખેલાડીઓનું રજીસ્ટ્રેશન ખૂબ જ મહત્વનું છે.
આ માટે ગુજરાત સરકારના સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાત તરફથી ઓનલાઈન રજીસ્ટ્રેશનની વ્યવસ્થા કરેલ છે. રજીસ્ટ્રેશન કરવાની સમયમર્યાદા તા.5/12/2024 થી તા.25/12/2024 છે. આ સમયમર્યાદામાં રાજ્યની તમામ સરકારી, ગ્રાન્ટ ઇન એઇડ, અને સ્વનિર્ભર શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પૈકી અંડર- 9, અંડર- 11 અને અંડર-14 વયજૂથના ખેલાડીઓનો વિવિધ રમતોમાં તેઓના કૌશલ્યના આધારે રજીસ્ટ્રેશન કરવાનું થાય છે.
પ્રાથમિક શાળાના મહત્તમ વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન થાય અને તે વિદ્યાર્થીઓમાં રહેલી રમત-ગમત પ્રત્યેની શક્તિઓનો વિકાસ થાય તે હેતુથી તાત્કાલિક આ અંગે કાર્યવાહી હાથ ધરવા જણાવવામાં આવે છે. તે માટે મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તાર, જિલ્લા કક્ષા, તાલુકા કક્ષા અને ગ્રામ્ય કક્ષાએ સમિતિઓની પણ રચના કરવામાં આવેલ છે. તેઓનો સહકાર લઈ વિદ્યાર્થીઓ ની ક્ષમતાને ધ્યાને લઈ મહત્તમ રજીસ્ટ્રેશન કરવા માટે સૂચના આપવામાં આવે છે.
આ માટે જિલ્લા રમત-ગમત અધિકારી તથા જિલ્લા રમત વિકાસ અધિકારીનો સંપર્ક કરી ચોક્કસ આયોજન તથા અમલીકરણ કરવા માટે આપના તાબા હેઠળની તમામ સરકારી, ગ્રાન્ટ ઇન એઇડ, અને સ્વનિર્ભર શાળાઓને આપની કક્ષાએથી જરૂરી સૂચના આપવા અને રજીસ્ટ્રેશન શરૂ કરવા જણાવવામાં આવે છે.