Ahmedabad Gold Seized: અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ વિભાગે મોટી કાર્યવાહી કરીને દુબઈથી આવેલી ઈન્ડિગોની ફ્લાઈટમાંથી 2 કરોડ રૂપિયાનું સોનું જપ્ત કર્યું છે. એર ઈન્ટેલિજન્સ યુનિટે ફ્લાઈટ નંબર 6E-1478ના ટોઈલેટમાંથી સોનાની પેસ્ટ ધરાવતા શંકાસ્પદ પાઉચ શોધી કાઢ્યા હતા. આ પાઉચમાંથી 1867.310 ગ્રામ વજનના બે સોનાના બાર મળી આવ્યા છે, જે 24 કેરેટ શુદ્ધ હોવાનું જણાયું છે.
2 કરોડનું સોનું, 8 લાખની સિગારેટ
જપ્ત કરાયેલા આ સોનાની બજાર કિંમત રૂપિયા 1.93 કરોડ આંકવામાં આવી છે, જ્યારે તેનું ટેરિફ મૂલ્ય 1.77 કરોડ રૂપિયા છે. કસ્ટમ્સ અધિકારીઓએ જણાવ્યું હતું કે ફ્લાઈટની નિયમિત તપાસ દરમિયાન આ પાઉચ મળી આવ્યા હતા. પ્રાથમિક તપાસમાં સ્પષ્ટ થયું છે કે તેમાં સોનાની પેસ્ટ છુપાવવામાં આવી હતી. આ ઉપરાંત, કસ્ટમ વિભાગે અન્ય એક કાર્યવાહીમાં દુબઈ-મલેશિયા રૂટથી આવેલા બે મુસાફરો પાસેથી 8 લાખ રૂપિયાની કિંમતની 52,400 સિગારેટ પણ જપ્ત કરી છે.
બે મુસાફરો કસ્ટડીમાં
કસ્ટમ્સના એર ઈન્ટેલિજન્સ યુનિટે મલેશિયા થઈને કમ્બોડિયાથી આવેલા આ બંને મુસાફરોની ટ્રોલી બેગની તપાસ કરી હતી, જેમાં વિદેશી સિગારેટનો મોટો જથ્થો મળી આવ્યો હતો. સિગારેટની દાણચોરી કરવાના આરોપસર કસ્ટમે બંને મુસાફરોને કસ્ટડીમાં લીધા છે અને વધુ પૂછપરછ હાથ ધરી છે.