Vadodara News: ભારત-પાકિસ્તાનના ભાગલા બાદ પ્રથમ વખત પાકિસ્તાનમાં વિહાર કરનાર વલ્લભસૂરી સમુદાયના વર્તમાન ગચ્છાધિપતિ આચાર્ય ધર્મધુરંધરસૂરીશ્વરજી મહારાજ હાલમાં વડોદરામાં ચાતુર્માસ કરી રહ્યાં છે. તેમણે પોતાના પાકિસ્તાન પ્રવાસના અનુભવો અંગે ખાસ વાત કરતા જણાવ્યું હતું કે, મારો પાકિસ્તાન પ્રવાસ ખૂબ જ રોમાંચક રહ્યો હતો. પોલીસની મંજૂરી વગર ક્યાંય જઇ શકતા ન હતા. લાહોરમાં લવ-કુશના ઘરમાં પ્રવેશની મંજૂરી ન મળતા એ ઇચ્છા અધૂરી રહી છે.
અધિકારીઓ ગાડીમાં બેસવાનો આગ્રહ કરતા હતા
આચાર્યશ્રીએ જણાવ્યું હતું કે, પાકિસ્તાન સરકાર અને ભારત સરકારની મંજૂરી બાદ તેઓ બે વર્ષ પહેલાં 18 શ્રાવકો સાથે લાહોરના ગુજરાનવાલા સુધી વિહાર કરીને ગયા હતા. ત્યાં સરકારી મ્યુઝિયમમાં સ્થિત ગુરૂદેવ વિજયાનંદસૂરી મહારાજ (આત્મારામજી મહારાજ)ની ચરણપાદુકાનો દર્શન કરવાનો અવસર મળ્યો હતો. તેમણે કહ્યું કે, અમે હંમેશા પગપાળા વિહાર કરીએ છીએ, પરંતુ ત્યાં બ્લેક કમાન્ડો અને પોલીસ અધિકારીઓએ ગાડીમાં જવાની જ આગ્રહ કર્યો હતો. તેમ છતાં અમે પગપાળા વિહાર કર્યો.
લવ-કુશના ઘરની મુલાકાતની ઇચ્છા અધૂરી રહી
આચાર્યે ખાસ ઉલ્લેખ કર્યો કે, ગુજરાનવાલાની ભૂમિ જીવંત હોવાનો અનુભવ થયો. તેમણે જણાવ્યું હતું કે, મારા ગુરૂએ હાજરીનો અહેસાસ કરાવ્યો, તે મારા માટે સર્વોત્તમ ક્ષણ હતી. પાકિસ્તાનમાં જૈન સમુદાય અંગે પૂછતા તેમણે કહ્યું કે, હાલ ત્યાં કોઇ જૈન પરિવાર રહેતો નથી. અમે જ્યાં રોકાયા હતા, ત્યાંથી પોલીસ પરમિશન વગર બહાર જઈ શકતા નહોતા. તેમણે લાહોરમાં ભગવાન રામના પુત્રો લવ-કુશના ઘરની મુલાકાત લેવાની ઇચ્છા વ્યક્ત કરી હતી, પરંતુ અંદર પ્રવેશવાની મંજૂરી મળી નહોતી. મારી ઇચ્છા અધૂરી રહી ગઈ.
ભારત-પાકિસ્તાનના સંબંધો અંગે આચાર્યે કહ્યું કે, બંને સરકારો સમય સમય પર પોતાની નીતિ બદલતી રહે છે, તેથી કંઈ કહેવું યોગ્ય નથી. તેમણે જણાવ્યું કે, પાકિસ્તાન પ્રવાસનો હેતુ જૈન હેરિટેજ સાથે અહિંસા ધર્મનો પ્રચાર કરવો હતો. આ મુલાકાત દરમિયાન સ્થાનિક મુસ્લિમ સમાજ સાથે અહિંસા ધર્મના પ્રસાર અંગે ચર્ચા પણ થઈ હતી.
આચાર્યે જૈન મહારાજના અકસ્માત અંગે કહ્યું કે, લાપરવાહ વાહનચાલકોને કઠોર દંડ આપવો જોઈએ, જેથી આવી દુર્ઘટનાઓ રોકી શકાય. સાથે જ તેમણે રિયાણા (અંબાલા)માં બની રહેલા અનોખા જૈન મંદિર વિશે પણ માહિતી આપી, આ મંદિર દેશમાં પહેલું એવું હશે જ્યાં 108 શાસનપ્રભાવક મહાપુરુષોની પ્રતિમાઓ અને 84 ગચ્છના આચાર્યોની સ્થાપના કરવામાં આવશે.