Navsari News: નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના કરાડી ગામે ગણેશ સ્થાપના પહેલા જ એક દુઃખદ ઘટના બની છે. ગણપતિ બાપ્પાની પ્રતિમાનું આગમન થઈ રહ્યું હતું, ત્યારે હાઇટેન્શન લાઇનને અડી જવાથી લોખંડના પાઈપ દ્વારા કરંટ લાગતા બે યુવકોના મોત નીપજ્યા હતા, જ્યારે પાંચ લોકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી.
આ ઘટના કરાડી ગામમાં બની હતી, જ્યાં ગણેશ ભક્તો ગણપતિની મૂર્તિને વાજતે ગાજતે લાવી રહ્યા હતા. આ દરમિયાન, મૂર્તિ ઊંચી કરવા માટે વપરાયેલો લોખંડનો પાઈપ અચાનક ઉપરથી પસાર થતી હાઇટેન્શન લાઇનને સ્પર્શી ગયો હતો. જેના કારણે પાઈપમાં કરંટ ઉતર્યો હતો અને તેને પકડેલા તમામ લોકો ઝપેટમાં આવી ગયા હતા. આ દુર્ઘટનામાં પ્રિતેશ ખાપા ભાઈ પટેલ (ઉ.વ. 22) અને મિતુલભાઈ નવીનભાઈ પટેલ (ઉ.વ. 40) નામના બે વ્યક્તિઓના કરંટ લાગવાથી મોત થયા હતા.
આ ઉપરાંત, કેયુર ભાઈ પટેલ, નિશાંત ભાઈ સુમિત્રા પટેલ, વિજયકુમાર બચુભાઈ પટેલ, કરીશ પટેલ અને નિલેશ નાનુભાઈ પટેલ નામના પાંચ વ્યક્તિઓ પણ દાઝી ગયા હતા. તેઓને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ ઘટનાને પગલે સમગ્ર કરાડી ગામમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે અને મૃતકોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે નવસારી સિવિલ હોસ્પિટલમાં મોકલી આપ્યા છે.