Ahmedabad Sabarmati River Floods: સાબરમતી નદીમાં પાણીના સ્તરમાં સતત વધારો નોંધાતા કાંઠા વિસ્તારોમાં હાલાકી જોવા મળી રહી છે. લગભગ એક લાખ ક્યુસેક પાણીની આવક સામે 96,000 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે, જેના કારણે અમદાવાદ જિલ્લાના સહિત આસપાસના 200 જેટલા ગામો પ્રભાવિત થયા છે. સરખેજ પાસે આવેલા બાકરોલ ગામમાં ખેતરોમાં પાણી ફરી વળ્યા છે અને દસક્રોઈ તાલુકાના અનેક વિસ્તારો પણ આનાથી પ્રભાવિત થયા છે.
મળતી માહિતી મુજબ, ખેડૂતોના ખેતરોમાં પાણી ઘૂસી જવાથી પાકને મોટા પાયે નુકસાન પહોંચ્યું છે. ખાસ કરીને દૂધી અને રીંગણ જેવા પાકો પાણીમાં ધોવાઈ જતાં ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. જે પ્રકારે પાણીનું જળસ્તર સતત વધી રહ્યું છે, તેનાથી હજુ લણણી ન થયેલા પાકોને પણ નુકસાન થવાનો ભય છે. જો પાણીનું સ્તર હજુ વધશે તો ગામોમાં પણ પાણી ઘૂસી જવાની ભીતિ સેવાઈ રહી છે.
સાબરમતી નદીમાં પાણીનું સ્તર હજુ પણ વધે તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે, જે ખેડૂતો માટે અત્યંત ચિંતાજનક પરિસ્થિતિ છે. જળબંબાકાર જેવી સ્થિતિને કારણે મહત્તમ વિસ્તારોમાં એલર્ટ રહેવા માટેની સૂચનાઓ આપવામાં આવી છે, જેથી કોઈપણ અણબનાવ ટાળી શકાય. તમામ ગતિવિધિઓ પર તંત્ર દ્વારા નજર રાખવામાં આવી રહી છે.