Ahmedabad School Stabbing: ગત 19 ઓગસ્ટના રોજ સામાન્ય ધક્કામુક્કી જેવી બાબતમાં અમદાવાદના ખોખરા વિસ્તારની સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીએ જ વિદ્યાર્થીની પરિકરના ઘા ઝીંકી ઘાતકી હત્યા કરી હતી. આ મામલે તપાસ કરી રહેલી ક્રાઈમ બ્રાન્ચની ટીમે આખરે સ્કૂલ મેનેજમેન્ટ અને પ્રિન્સિપાલ સામે ગુનો દાખલ કર્યો છે.
હકીકતમાં આ કેસની તપાસ કરી રહેલી ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં સામે આવ્યું કે, વિદ્યાર્થી પર હુમલો કરવામાં આવ્યા બાદ સ્કૂલ મેનેજમેન્ટ કે પ્રિન્સિપાલ દ્વારા પોલીસ, શિક્ષણ વિભાગ તેમજ મૃતકના પરિવારજનોને પણ જાણ કરવામાં આવી નહતી. આ મામલે મૃતકના પિતાએ પોલીસને અરજી કરી હતી. જેના આધારે સ્કૂલના પ્રિન્સિપાલ અને મેનેજમેન્ટ સામે ફરિયાદ નોંધવામાં આવી છે.
Amreli: જાફરાબાદના તોફાની દરિયામાં ગુમ થયેલા 11 માછીમારો પૈકી 3ના મૃતદેહ મળ્યા, હજુ 8ની શોધખોળ ચાલુ
ક્રાઈમ બ્રાન્ચની ટીમે તપાસ અંતર્ગત સ્કૂલના પ્રિન્સિપાલ, સ્ટાફ, સિક્યુરિટી ગાર્ડ તેમજ મૃતકના પરિવારજનો સહિત 15 લોકોના નિવેદન નોંધ્યા હતા. આ સાથે જ સ્કૂલના CCTV ફૂટેજ પણ ચેક કર્યાં હતા. જેમાં મૃતક વિદ્યાર્થી લોહીલુહાણ હાલતમાં બહારથી સ્કૂલમાં આવ્યો હતો અને ઈજા થયેલા ભાગ પર હાથ રાખીને લોહીલુહાણ હાલતમાં બેઠેલો જોવા મળ્યો હતો. જે બાદ સિક્યુરિટી ગાર્ડે જાણ કરતાં સ્કૂલના પ્રિન્સિપાલ અને વાઈસ પ્રિન્સિપાલ સહિત શિક્ષકો દોડી આવ્યા હતા. જો કે સ્કૂલનો સ્ટાફ ઈજાગ્રસ્ત વિદ્યાર્થીને હોસ્પિટલ નહતા લઈ ગયા. થોડીવાર બાદ વાલી સ્કૂલમાં લેવા આવતા તેઓ વિદ્યાર્થીને સારવાર અર્થે હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં તેનું મોત નીપજ્યું હતુ. આ મામલે FSLની ટીમે પણ સ્કૂલમાં ઘટના સ્થળે જઈને જરૂરી પુરાવા એકત્ર કર્યાં છે.
રોષે ભરાયેલા વાલીઓએ સ્કૂલમાં તોડફોડ કરી, પ્રિન્સિપાલને ફટકાર્યા
સ્કૂલ મેનેજમેન્ટ દ્વારા પુરાવાનો નાશ કરવા માટે પાણીનું ટેન્કર મંગાવીને લોહીના ડાઘા સાફ કરવામાં આવ્યો હોવાનો વાલીઓ આક્ષેપ કરી રહ્યા છે. રોષે ભરાયેલા વાલી સહિત બે હજારથી વધુ લોકોના ટોળાએ સ્કૂલમાં તોડફોડ કરી હતી. આ સાથે જ સ્કૂલના પ્રિન્સિપાલ ડૉ. જી.ઈમાન્યુઅલે પોતે ICSE બોર્ડના ચેરમેન હોવાથી પોતાની ઓળખાણ દિલ્હી સુધી વાત હોવાનું કહેતા વાલીઓ વધારે વિફર્યા હતા. જે બાદ પ્રિન્સિપાલ અને સ્કૂલના અન્ય સ્ટાફને દોડાવી-દોડાવીને ફટકાર્યા હતા. જ્યારે આ ગુનામાં સંડોવાયેલા બે સગીર આરોપીઓને કોર્ટમાં રજૂ કરી હાલ રિમાન્ડ હોમમાં મોકલાયા છે.