Ahmedabad: ગુજરાત પર સક્રિય થયેલી વરસાદી સિસ્ટમના કારણે હવામાન વિભાગ દ્વારા આગામી 4 દિવસ સુધી અમદાવાદમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. છેલ્લા 2 દિવસથી પણ અમદાવાદમાં ભારે વરસાદના ઝાપટા પડી રહ્યા છે, જેના કારણે શહેરના અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. એવામાં શહેરના સરદાર પટેલ રિંગ રોડ પરનું ગરનાળું પાણીમાં ગરકાવ થઈ ગયું છે. જેમાં એક કારમાં ફસાયેલા એક યુવક અને બે યુવતીને સ્થાનિકોએ રેસ્ક્યુ કર્યા હોવાનો બનાવ સામે આવ્યો છે.
અમદાવાદમાં સતત પડી રહેલા વરસાદના કારણે SP રિંગ રોડ પર ઝુંડાલ સર્કલથી વૈષ્ણોદેવી તરફ જતાં ત્રાગડ ગામ નજીકના સર્વિસ રોડ પર પાણી ભરાઈ ગયા છે. અહીં આવેલ ગરનાળામાં પણ ચાર ફૂટ જેટલા પાણી ભરાતા તે ગરકાવ થઈ ગયું છે.
એવામાં એક યુવક SUV કાર લઈને પાણીની વચ્ચેથી પસાર થઈ રહ્યો હતો. જો કે પાણીમાં અધવચ્ચે પહોંચતા જ કાર ઑટોમેટિક લૉક થઈ ગઈ હતી. જોત-જોતામાં પાણી કારના વિનશીલ્ડના કાચ સુધી પહોંચી ગયું હતુ.
આથી કારમાં સવાર એક યુવક અને બે યુવતીઓ રૂફ ટોપ ખોલીને ગાડીની છત પર બેસી ગયા હતા અને લોકો પાસે મદદ માંગી હતી. આ દરમિયાન સ્થાનિકો તેમની મદદ માટે દોડી આવ્યા હતા. જો કે કાર લૉક થઈ ગઈ હોવાથી ધક્કો મારીને તેને બહાર કાઢવી અશક્ય જણાતા આખરે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. જેથી ફાયર બ્રિગેડની ટીમ દ્વારા કારમાં સવાર ત્રણેય લોકોને હેમખેમ બહાર કાઢવામાં આવ્યા હતા.