Ahmedabad: રાજકોટ બાદ હવે અમદાવાદમાં પણ દિવાળીના તહેવારો દરમિયાન ફટાકડા ફોડવા માટે ચોક્કસ સમય જાહેર કરવામાં આવ્યો છે. હકીકતમાં અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા ફટાકડા ફોડવા અંગે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જે મુજબ અમદાવાદીઓ દિવાળીમાં માત્ર 2 કલાક જ ફટાકડા ફોડી શકશે.
અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ. મલિક દ્વારા દિવાળીના તહેવાર દરમિયાન ફોડવામાં આવતા ફટાકડાના કારણે આગ અને અકસ્માતના બનાવો ના બને અને જાહેર જનતાની સલામતી જળવાય તે માટે ફટાકડાના ખરીદ,વેચાણ અને ઉપયોગને લઈને જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેમાં જણાવ્યા મુજબ, શહેરીજનો રાતે 8 થી 10 વાગ્યા સુધી જ ફટાકડા ફોડી શકશે.
આ ઉપરાંત હોસ્પિટલ, નર્સીંગ હોમ, સ્કૂલ, ન્યાયાલય, એરપોર્ટ, પેટ્રોલ પંપ અને ધાર્મિક સ્થળોના 100 મીટરના ત્રિજયાનો વિસ્તાર સાયલન્ટ ઝોન ગણાશે, જ્યાં કોઈપણ પ્રકારના ફટાકડા ફોડી શકાશે નહીં. આ ઉપરાંત પ્રદૂષણ વધવાની શક્યતાને જોતા ફટાકડાની લૂમ ફોડવા પર પણ રોક લગાવી દેવામાં આવી છે.
આટલું જ નહીં, લાઈસન્સ ધારક વેપારીઓ જ ફટાકડાનું વેચાણ કરી શકશે. જ્યારે ઈ-કોમર્સ વેબ સાઈટ પર ફટાકડાનું ઓનલાઈન વેચાણ થઈ શકશે નહી. આ સિવાય ચાઈનીઝ તુક્કલના વેચાણ અને તેને ઉડાડવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જો કે ક્રિસમસ અને નૂતન વર્ષના તહેવાર દરમિયાન રાતે 11:55થી 12:30 સુધી ફટાકડા ફોડવાની છૂટ આપવામાં આવી છે.
આ સાથે જ પોલીસ દ્વારા લોકોને આ જાહેરનામાનો અમલ કરવા તાકીદ કરી છે. જો કોઈ પણ આ જાહેરનામાનો ભંગ કરતાં પકડાશે, તો તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે, એમ પણ જાહેરનામામાં જણાવવામાં આવ્યું છે.
જણાવી દઈએ કે, આજથી બે દિવસ અગાઉ રાજકોટ પોલીસ કમિશનર દ્વારા પણ ફટાકડા ફોડવા અંગે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતુ. જેમાં રાતે 10 થી 12 વાગ્યા સુધી જ ફટાકડા ફોડવાની મંજૂરી આપવામાં આવી હતી.
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.