Ahmedabad: શહેરના મણિનગર વિસ્તારમાં આવેલી LG હોસ્પિટલ નજીક જ્વેલર્સની દુકાનમાં લૂંટના ઈરાદે ફાયરિંગની ઘટના સામે આવી છે. આ ઘટનાના પગલે સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. હાલ તો આ મામલે પોલીસે એક આરોપીની અટકાયત કરી છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, મણિનગરમાં LG હોસ્પિટલની નજીક જ્વેલર્સની દુકાનમાં એક વ્યક્તિએ રિવોલ્વર બતાવીને લૂંટનો પ્રયાસ કર્યો હતો. આ બાબતની જાણ થતાં આસપાસના દુકાનદારો તેમજ ત્યાંથી પસાર થઈ રહેલા લોકો લૂંટારાને પકડવા માટે દોડ્યા હતા. આ દરમિયાન લોકો પાછળ પડતાં લૂંટારાએ ફાયરિંગ કર્યું હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે.
જો કે સદ્દનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ. હાલ તો લોકોએ ફાયરિંગ કરનારા શખ્સને ઝડપીને પોલીસને હવાલે કરી દીધો છે. પોલીસ પૂછપરછમાં લૂંટારાની ઓળખ લોકેન્દ્રસિંહ શેખાવત તરીકે થઈ છે અને રાજસ્થાનથી આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. અત્યારે પોલીસે લોકેન્દ્રસિંહ વિરુદ્ધ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.