Ahmedabad: દિવાળીના તહેવારો દરમિયાન સામાન્ય દિવસ કરતાં મેડિકલ ઈમરજન્સીના કેસોમાં વધારો જોવા મળતો હોય છે. આજ કારણોસર 108 ઈમરજન્સી દ્વારા આગોતરું આયોજન કરવામાં આવતું હોય છે. એવામાં 108 દ્વારા છેલ્લા 3 દિવસ અર્થાત દિવાળી, પડતર દિવસ અને નવા વર્ષે મળેલા ઈમરજન્સી કૉલનો આંકડો જાહેર કરવામાં આવ્યો છે. આ દરમિયાન મેડિકલ ઈમરજન્સીના કેસોમાં 12.34 ટકાનો વધારો નોંધાયો છે. એટલે કે સામાન્ય દિવસોમાં 4504 જેટલા કૉલની સામે છેલ્લા ત્રણ દિવસમાં પ્રતિદિન 5060 લેખે 15,179 કૉલ રિસીવ કરવામાં આવ્યા છે.
છેલ્લા 3 દિવસો દરમિયાન ફટાકડા ફોડવા સહિત અન્ય કારણોસર દાઝી જવાના કુલ 102 કેસ નોંધાયા છે. જેમાં દિવાળીના દિવસે 38, પડતર દિવસે 40 અને નવા વર્ષના દિવસે 24 કેસ નોંધાયા છે. સામાન્ય દિવસોમાં દાઝી જવાના 34 કેસ નોંધાતા હોય છે. જેની સરખામણીમાં છેલ્લા 3 દિવસમાં દાઝી જવાના કેસમાં 750 ટકાનો વધારો નોંધાયો છે. જે પૈકી સૌથી વધુ 28 કેસ અમદાવાદમાંથી સામે આવ્યા છે. આ સિવાય સુરતમાંથી 25, રાજકોટમાંથી 8 અને ભરૂચમાં 7 દાઝી જવાના બનાવ બન્યા છે.
જો મારામારીની વાત કરવામાં આવે તો છેલ્લા 3 દિવસમાં 988 બનાવ નોંધાયા છે. જે સામાન્ય દિવસો કરતાં 128.7 ટકા વધુ છે. દિવાળીના દિવસે 323, પડતર દિવસે 381 અને નવા વર્ષે 284 બનાવ ચોપડે નોંધાયા છે. અમદાવાદ ઉપરાંત દાહોદ, પંચમહાલ, બનાસકાંઠા, સુરત, રાજકોટ, ભાવનગર અને વડોદરામાં સૌથી વધુ મારામારી અને શારીરિક હુમલાના કેસ નોંધાયા છે.
માર્ગ અકસ્માતના આંકડા જોઈએ તો, 3 દિવસમાં 2829 માર્ગ અકસ્માતના બનાવ બન્યા છે. જે સામાન્ય દિવસમાં 481ની સરખામણીમાં 96.05 ટકા વધારે છે. દિવાળીના દિવસે 921, પડતર દિવસે 827 અને નવા વર્ષે સૌથી વધુ 1081 માર્ગ અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયા છે.