Rajal Barot New Dashama Song 2025: હાલમાં ચાલી રહેલા દશામાના વ્રત દરમિયાન ભક્તોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. 24 જુલાઈથી શરૂ થયેલા અને 2 ઓગસ્ટ સુધી ચાલનારા આ વ્રત પર્વમાં ભક્તો સવાર-સાંજ આરતી અને ભક્તિ ગીતો ગાઈને દશામાની આરાધના કરી રહ્યા છે.
આ પવિત્ર અવસરે, જાણીતા ગુજરાતી ગાયિકા રાજલ બારોટે (Rajal Barot) તેનું નવું દશામા ભક્તિ ગીત 'વાળ વાળ દશામાં વેળા વાળ…' રજૂ કર્યું છે, જે યુટ્યુબ પર ભારે લોકપ્રિયતા મેળવી રહ્યું છે.
ભક્તિ ગીતની લોકપ્રિયતા અને ભાવના
રાજલ બારોટ દ્વારા ગવાયેલું આ ભક્તિ ગીત યુટ્યુબ પર ગુજરાતમાં પાંચમા નંબર પર ટ્રેન્ડિંગ કરી રહ્યો છે, જ્યારે ઓલ ઈન્ડિયા લેવલે 28મા નંબર પર ટ્રેન્ડિંગમાં છે. આ ભક્તિ ગીતના શબ્દોમાં ઊંડી શ્રદ્ધા અને ભક્તિનો ભાવ પ્રગટ થાય છે. ગીતમાં દશામાને સંબોધવામાં આવ્યા છે, જેમાં ભક્ત દેવીને પોતાના ઘરે પધારવા અને તેમના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે વિનંતી કરે છે.
જણાવી દઈએ કે, દશામા વ્રતના દસ દિવસ દરમિયાન ભક્તો દશામાની મૂર્તિની સ્થાપના કરે છે, પૂજા-અર્ચના કરે છે, અને ભજન-કીર્તન દ્વારા ભક્તિભાવ વ્યક્ત કરે છે. એવી પ્રબળ માન્યતા છે કે આ વ્રત કરવાથી ઘરમાં સુખ-શાંતિનું વાતાવરણ સર્જાય છે, ધન-ધાન્યની વૃદ્ધિ થાય છે, અને તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. ખાસ કરીને, પરિવારના સુખ અને સમૃદ્ધિ માટે સ્ત્રીઓ આ વ્રત શ્રદ્ધાપૂર્વક પાળે છે.