Social Media Policy: સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામે એક નવી પૉલિસી લાગુ કરી છે. જે અંતર્ગત યુઝર્સને હવે લાઇવ-સ્ટ્રીમિંગ સુવિધાનો ઉપયોગ કરવા માટે ઓછામાં ઓછા 1,000 ફોલોઅર્સ અને એક પબ્લિક એકાઉન્ટ હોવું જરૂરી રહેશે.
આ ફેરફાર ટેકક્રંચને આપવામાં આવેલી કન્ફોર્મેશનમાં સામે આવ્યો છે. જે અગાઉની નીતિથી સંપૂર્ણપણે અલગ છે. જેમાં કોઈપણ યુઝર્સ તેના ફોલોઅર્સની સંખ્યા અને ખાનગી એકાઉન્ટને ધ્યાનમાં લીધા વિના, સરળતાથી લાઇવ થઈ શકે છે. આ નિર્ણય નાના ક્રિએટર્સ અને તે સામાન્ય યુઝર્સને અસર કરશે, જેઓ મિત્રો સાથે લાઇવ જવાનું પસંદ કરતા હતા.
આ ફેરફારથી પ્રભાવિત યુઝર્સને મળતા નોટિફિકેશનમાં લખવામાં આવ્યું છે કે, અમે આ ફિચર્સનો ઉપયોગ કરવાની શરતો બદલી છે. હવે ફક્ત 1,000કે તેથી વધુ ફોલોઅર્સ ધરાવતા પબ્લિક એકાઉન્ટ જ લાઇવ વીડિયો બનાવી શકશે. અનેક યુઝર્સ આ અપડેટથી નારાજ છે અને સોશિયલ મીડિયા પર તેનો વિરોધ કરી રહ્યા છે. તેમજ કંપનીને આ નિર્ણય પાછો ખેંચવાની માંગ કરી રહ્યા છે.
ઇન્સ્ટાગ્રામનું આ પગલું ટિકટોકની નીતિ જેવું જ છે, જ્યાં 1,000 ફોલોઅર્સ માટે લાઇવ-સ્ટ્રીમિંગની સુવિધા જરૂરી છે. તેની તુલનામાં YouTube જેવા પ્લેટફોર્મ પર ફક્ત 50 સબ્સ્ક્રાઇબર્સ ધરાવતા લોકો પણ લાઇવ થઈ શકે છે.
જોકે ઇન્સ્ટાગ્રામે આ નિયમ પાછળનું કારણ સ્પષ્ટ રીતે જણાવ્યું નથી. એવું માનવામાં આવે છે કે, તેનો હેતુ લાઇવ સ્ટ્રીમ્સની ગુણવત્તા વધારવાનો અને ઓછી વ્યૂઅરશિપવાળા સ્ટ્રીમ્સનો ખર્ચ ઘટાડવાનો હોઈ શકે છે.
આ ન્યૂનતમ ફોલોઅર્સની શરત લાદીને ઇન્સ્ટાગ્રામ ખાતરી કરવા માંગે છે કે, લાઇવ સ્ટ્રીમિંગ ફક્ત તે યુઝર્સ દ્વારા જ કરવામાં આવે જેમની પાસે પહેલાથી જ સારું ઑડિયન્સ છે. એવું જોવામાં આવે છે કે, ઑડિયન્સ માટે એકંદર અનુભવ વધુ સારો હોઈ શકે છે કારણ કે કંટાળાજનક અથવા ઓછી ઇન્ટરેક્ટિવ સામગ્રી આપમેળે ફિલ્ટર થઈ જશે.
આ નિર્ણય મેટા (ઇન્સ્ટાગ્રામની પેરેન્ટ કંપની)ના આર્થિક હિતોથી પણ સંબંધિત હોઈ શકે છે, કારણ કે લાઇવ સ્ટ્રીમિંગ મોંઘું છે. આથી જો કંપની તેને ફક્ત તે યુઝર્સ સુધી સિમિત રાખે, જેમની પાસે વ્યાપક ઑડિયન્સ છે, તો તેમના સર્વર્સ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ઓછો ભાર પડશે. આ ઉપરાંત આ નિર્ણય ઇન્સ્ટાગ્રામને અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ સાથે વ્યૂહાત્મક રીતે ગોઠવે છે જે પહેલાથી જ સમાન થ્રેશોલ્ડ લાગુ કરે છે.
આ પગલાથી સામગ્રીની ગુણવત્તામાં વધારો થઈ શકે છે, પરંતુ તે નવા અથવા નાના ક્રિએટર્સ પર નકારાત્મક અસર કરશે, જેઓ હમણાં જ ફોલોઅર્સ બનાવવાનું શરૂ કરી રહ્યા છે. આ કારણોસર અનેક યુઝર્સ આ નીતિને 'અયોગ્ય' ગણી રહ્યા છે અને તેને નવા એકાઉન્ટ્સની સર્જનાત્મકતા અને વૃદ્ધિ પર પ્રતિબંધ ગણાવી રહ્યા છે.