Adani Group: અદાણી ગ્રુપ 80 વર્ષ જૂની ગુજરાત સ્થિત આ સિમેન્ટ કંપની ખરીદવા જઈ રહ્યું છે, શેરોમાં આવી ભાર તેજી

મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે અદાણી ગ્રુપ શ્રી દિગ્વિજય સિમેન્ટના પ્લાન્ટ અને બંદરને ખરીદવાની શક્યતા શોધી રહ્યું છે.

By: Nilesh ZinzuwadiaEdited By: Nilesh Zinzuwadia Publish Date: Mon 25 Aug 2025 04:57 PM (IST)Updated: Mon 25 Aug 2025 04:58 PM (IST)
share-market-adani-group-may-acquire-shree-digvijay-cement-plant-and-port-business-591575

Adani Group Latest News: અદાણી ગ્રુપ ઝડપથી તેના સિમેન્ટ અને બંદરો(Adani Group Cement & Ports Business)ના વ્યવસાયનું વિસ્તરણ કરવા જઈ રહ્યું છે.આ કડીના ભાગરૂપે અદાણી ગ્રુપ બીજી મોટી ડીલની તૈયારી કરી રહ્યું છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે અદાણી ગ્રુપ શ્રી દિગ્વિજય સિમેન્ટના પ્લાન્ટ અને બંદરને ખરીદવાની શક્યતા શોધી રહ્યું છે. આ દરમિયાન શ્રી દિગ્વિજય સિમેન્ટના શેરોમાં ભારે તેજી જોવા મળી હતી.

આ કેસમાં કોજેન્સિસ રિપોર્ટ બહાર આવ્યા પછી શ્રી દિગ્વિજય સિમેન્ટના શેર 10 ટકાના વધારા સાથે બંધ થયા હતા. 25 ઓગસ્ટના રોજ કંપનીનો શેર રૂપિયા 94 પર ખુલ્યો અને રૂપિયા 107.70ની ઊંચી સપાટીએ પહોંચ્યો હતા અને રૂપિયા 104.8 પર બંધ થયો હતો.

કોજેન્સિસના અહેવાલ પ્રમાણે અદાણી ગ્રુપના ચેરમેને જુલાઈ-ઓગસ્ટમાં શ્રી દિગ્વિજય સિમેન્ટ (Shree Digvijay Cement)ના પ્લાન્ટની મુલાકાત લીધી હતી. આ સોદો અદાણી ગ્રુપ માટે પણ મહત્વપૂર્ણ છે કારણ કે તે પહેલાથી જ પોર્ટ બિઝનેસમાં સક્રિય છે અને ઝડપથી તેના સિમેન્ટ બિઝનેસનો વિસ્તાર કરી રહ્યું છે.

અદાણી ગ્રુપ દિગ્વિજય સિમેન્ટ પર કેમ નજર રાખી રહ્યું છે?
ગુજરાત સ્થિત શ્રી દિગ્વિજય સિમેન્ટ 80 વર્ષ જૂની કંપની છે અને તેનું માર્કેટ કેપ રૂપિયા 1531 કરોડ રૂપિયા છે. કંપનીના ગુજરાતના દિગ્વિજય ગ્રામ અને જામનગરમાં ઉત્પાદન એકમો છે. આ કંપની કમળ સિમેન્ટ બ્રાન્ડ નામથી સિમેન્ટ વેચે છે. અદાણી ગ્રુપ સિમેન્ટ ક્ષેત્રમાં ઝડપથી વિસ્તરણ કરી રહ્યું હોવાથી શ્રી દિગ્વિજય સિમેન્ટ સાથેનો આ સોદો વાસ્તવિકતા બની રહ્યો છે.

જો આ સોદો થાય છે, તો અદાણી ગ્રુપ શ્રી દિગ્વિજય સિમેન્ટ કંપની પાસેથી મોટી ઔદ્યોગિક અને લોજિસ્ટિક્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સંપત્તિઓ હસ્તગત કરશે. જોકે આ સંભવિત સોદા વિશે હજુ સુધી કોઈ જાહેર માહિતી નથી. પરંતુ આ અંગેનો અહેવાલ બહાર આવ્યા પછી તેના વિશે ચર્ચા તેજ થવા લાગી છે.