India's Crude Oil Imports: ભારતની ક્રુડ ઓઈલની આયાત 18 મહિનાના તળિયે પહોંચી, માંગ ઘટી કે અમેરિકાની ધમકીની અસર?

આયાતમાં જે ઘટાડો થયો છે, તેની પાછળ કેટલાક કારણો પૈકી એક કારણ ઘરેલુ માંગમાં નબળી સ્થિતિ છે.

By: Nilesh ZinzuwadiaEdited By: Nilesh Zinzuwadia Publish Date: Mon 25 Aug 2025 08:05 PM (IST)Updated: Mon 25 Aug 2025 08:37 PM (IST)
india-crude-oil-import-18-month-low-us-tariff-russia-591679
HIGHLIGHTS
  • જુલાઈ 2024ની તુલનામાં આયાતમાં પણ 4.3%નો ઘટાડો થયો છે, જ્યારે આયાત 19.40 મિલિયન ટન હતી
  • ભારત વિશ્વમાં ત્રીજો સૌથી મોટો ક્રુડ ઓઈલનો આયાતકાર અને ગ્રાહક દેશ છે

India's Crude Oil Imports: ભારતની ક્રુડ ઓઈલની આયાત(India's crude oil imports) જુલાઈ 2025માં 18 મહિનાની નીચી સપાટીએ પહોંચી ગયું છે. કેન્દ્ર સરકારના પેટ્રોલિયમ પ્લાનિંગ એન્ડ એનાલિસિસ સેલ (PPAC) દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતી પ્રમાણે જુલાઈ મહિનામાં ક્રુડ ઓઈલની આયાત 18.56 મિલિયન ટન રહી છે, જે અગાઉના જૂન મહિનાની તુલનામાં 8.7 ટકા ઓછી છે.

આ ઉપરાંત અગાઉ ફેબ્રુઆરી,2024 બાદ ભારતની ક્રુડ ઓઈલની આયાત સૌથી નીચી સપાટીએ છે. આયાતમાં જે ઘટાડો થયો છે, તેની પાછળ કેટલાક કારણો પૈકી એક કારણ ઘરેલુ માંગમાં નબળી સ્થિતિ છે. આ ઉપરાંત અમેરિકા ટેરિફને લગતી ધમકી વચ્ચે કંપનીઓએ પોતાના ભવિશ્યના આયાતોને લઈ સાવધાની દર્શાવી રહી છે.

વાર્ષિક ધોરણે ઘટાડો
જુલાઈ 2024ની તુલનામાં આયાતમાં પણ 4.3%નો ઘટાડો થયો છે, જ્યારે આયાત 19.40 મિલિયન ટન હતી. પેટ્રોલિયમ ઉત્પાદનોની આયાત વાર્ષિક ધોરણે 12.8% ઘટીને 4.31 મિલિયન ટન થઈ ગઈ છે. આ સમયગાળા દરમિયાન પેટ્રોલિયમ ઉત્પાદનોની નિકાસ પણ 2.1% ઘટીને 5.02 મિલિયન ટન થઈ ગઈ છે.

સ્થાનિક વપરાશ પણ નબળો
ઓઇલ મંત્રાલયના ડેટા પ્રમાણે જુલાઈમાં ભારતનો કુલ ઇંધણ વપરાશ 4.3% ઘટીને 19.43 મિલિયન ટન થયો છે. આ ઘટાડો દર્શાવે છે કે સ્થાનિક સ્તરે ઊર્જાની માંગ પણ ધીમી પડી છે. આ ઉપરાંત ભારતમાં ચાલી રહેલા રિન્યુએબલ એનર્જી પ્રોજેક્ટ્સની અસર પણ ધીમે ધીમે માંગ વધી રહી છે.

અમેરિકાની કડક અને રશિયા પરિબળ
ભારત વિશ્વમાં ત્રીજો સૌથી મોટો ક્રુડ ઓઈલનો આયાતકાર અને ગ્રાહક દેશ છે, તેથી આ આંકડા ખૂબ જ મહત્વપૂર્ણ છે. પરંતુ અમેરિકાની નવી નીતિને પણ આયાતમાં ઘટાડાનું એક કારણ માનવામાં આવી રહ્યું છે.

અમેરિકાએ 27 ઓગસ્ટથી ભારતમાંથી આવતા કેટલાક માલ પર 50% સુધીના ટેરિફ લાદવાની જાહેરાત કરી છે. ભારત દ્વારા રશિયા પાસેથી તેલ ખરીદવા અંગે આ પગલું લેવામાં આવ્યું છે. આ સ્થિતિમાં આયાતમાં ઘટાડા પાછળ આ પણ એક પરિબળ હોઈ શકે છે.