Shubman Gill Duleep Trophy 2025: એશિયા કપ 2025 પહેલા ઘરેલું ક્રિકેટની પ્રતિષ્ઠિત ટૂર્નામેન્ટ દુલીપ ટ્રોફી 28 ઓગસ્ટથી શરૂ થવા જઈ રહી છે. આ સ્પર્ધામાં ભારતીય ટેસ્ટ ટીમના કેપ્ટન શુભમન ગિલને નોર્થ ઝોનની કમાન સોંપવામાં આવી હતી. જોકે હવે સમાચાર છે કે તે આ ટૂર્નામેન્ટમાં ભાગ લેશે નહીં. જાણો કારણ
BCCI એ આપી સલાહ
ઇંગ્લેન્ડ સામેની પાંચ મેચની ટેસ્ટ શ્રેણીમાં શાનદાર પ્રદર્શન કર્યા બાદ ગિલને નોર્થ ઝોનનો કેપ્ટન નિયુક્ત કરવામાં આવ્યો હતો. જોકે, તાજેતરમાં થયેલા બ્લડ ટેસ્ટ બાદ ફિઝિયોએ તેનો રિપોર્ટ BCCIને મોકલ્યો છે અને ગિલને દુલીપ ટ્રોફીમાં ભાગ ન લેવાની સલાહ આપી છે. જોકે આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી.
શુભમન ગિલની જગ્યા કોણ લેશે
ગિલની આગેવાની હેઠળની નોર્થ ઝોનની ટીમનો મુકાબલો બેંગલુરુના BCCI સેન્ટર ઓફ એક્સેલન્સ ગ્રાઉન્ડમાં ઇસ્ટ ઝોન સામે થવાનો છે, જે મેચ સવારે 9:30 વાગ્યે શરૂ થશે. જો ગિલ આ ટૂર્નામેન્ટમાં નહીં રમે તો ટીમની કમાન વાઇસ-કેપ્ટન અંકિત કુર સંભાળી શકે છે. હાલમાં શુભમન ગિલ રજાઓ માણી રહ્યો છે. તેણે પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર તેની તસવીરો પણ શેર કરી છે, જેમાં તે યાટ પર જોવા મળી રહ્યા છે.
એશિયા કપ 2025 પર નજર
ભારતની નજર હવે એશિયા કપ 2025 પર છે, જેની શરૂઆત 9 સપ્ટેમ્બરથી દુબઈમાં થશે. ભારતીય ટીમનો પહેલો મુકાબલો 10 સપ્ટેમ્બરે યુએઈ સામે રમાશે. રિપોર્ટ્સ અનુસાર ભારતીય ટીમ ચાર કે પાંચ સપ્ટેમ્બરે દુબઈ જવા રવાના થશે. આવી સ્થિતિમાં દુલીપ ટ્રોફીમાં ગિલ ઉપલબ્ધ રહેશે નહીં. એશિયા કપમાં ગિલને વાઇસ-કેપ્ટનની જવાબદારી સોંપવામાં આવી છે.