Rohit Sharma Virat Kohli Retirement: ભારતીય ક્રિકેટમાં છેલ્લા કેટલાક દિવસોથી એવી અટકળો ચાલી રહી હતી કે વિરાટ કોહલી અને રોહિત શર્મા જલ્દી જ વનડેમાંથી નિવૃત્તિની જાહેરાત કરી શકે છે. બંનેએ ગયા વર્ષે ટી20 અને આ વર્ષે મે મહિનામાં ટેસ્ટ ક્રિકેટમાંથી વિદાય લીધી હતી. હવે આ બંને માત્ર વનડે ફોર્મેટમાં જ રમશે. આવી સ્થિતિમાં આ ફોર્મેટ છોડવાના સમાચારોએ બંનેના ચાહકોને નિરાશ કર્યા હતા. હવે બીસીસીઆઈના ઉપાધ્યક્ષ રાજીવ શુક્લાએ આ મામલે સ્થિતિ સ્પષ્ટતા કરી દીધી છે.
રોહિત અને વિરાટની નિવૃત્તિ પર શું કહ્યું
રાજીવ શુક્લા એક ટૉક શોમાં ભાગ લેવા પહોંચ્યા હતા જ્યાં તેમને પૂછવામાં આવ્યું કે શું રોહિત અને વિરાટને સચિન તેંડુલકરની જેમ વિદાય મેચ રમવા મળશે? આ સવાલનો જવાબ આપતા રાજીવ શુક્લાએ કહ્યું કે લોકોને આ બંનેની આટલી ચિંતા શા માટે છે. શુક્લાએ કહ્યું કે તેઓ ક્યારે નિવૃત્ત થયા? રોહિત શર્મા અને વિરાટ કોહલી બંને હજુ પણ વનડે રમશે. જો બંને રમી રહ્યા છે તો પછી વિદાયની વાત શા માટે? લોકો શા માટે અગાઉથી ચિંતા કરી રહ્યા છે?
BCCI કોઈને નિવૃત્ત થવાનું કહેતી નથી
રાજીવ શુક્લાએ એમ પણ કહ્યું કે બીસીસીઆઈ (BCCI) કોઈપણ ખેલાડીને નિવૃત્તિ લેવા માટે કહેતું નથી. નિવૃત્તિનો નિર્ણય ખેલાડીનો પોતાનો નિર્ણય હોય છે. તેમણે કહ્યું કે અમારી નીતિ સ્પષ્ટ છે. બીસીસીઆઈ કોઈપણ ખેલાડીને સંન્યાસ લેવા માટે કહેતું નથી. ખેલાડીએ પોતાનો નિર્ણય પોતે લેવાનો હોય છે. તેમને ક્યારે નિવૃત્તિ લેવી તે અંગેનો નિર્ણય પોતે જ લેવો પડશે. આ ઉપરાંત રોહિત અને કોહલી બંનેએ તાજેતરમાં પ્રેક્ટિસ (ટ્રેનિંગ) શરૂ કરી દીધી છે. આનાથી પણ બંનેના સંન્યાસ લેવાની અટકળો પર વિરામ લાગ્યો છે.