AUS Vs SA 3rd T20I: મેક્સવેલની તોફાની બેટિંગ, રોમાંચક મેચમાં ઑસ્ટ્રેલિયાએ દક્ષિણ આફ્રિકાને હરાવીને 2-1થી સિરીઝ જીતી

દક્ષિણ આફ્રિકાએ આપેલા 173 રનના વિજયી લક્ષ્ચાંકને કાંગારૂ ટીમે છેલ્લો બોલ બાકી રહેતા હાંસલ કરી સિરીઝ પર કબજો જમાવ્યો. 19મીએ પ્રથમ વન-ડે રમાશે

By: Sanket ParekhEdited By: Sanket Parekh Publish Date: Sat 16 Aug 2025 08:50 PM (IST)Updated: Sat 16 Aug 2025 08:50 PM (IST)
aus-vs-sa-3rd-t20i-australia-win-series-and-last-match-due-to-glenn-maxwell-innings-586574
HIGHLIGHTS
  • છેલ્લી ઑવરમાં ઑસ્ટ્રેલિયાને 10 રનની જરૂર હતી
  • મેક્સવેલે 8 ફૉર અને 6 સિક્સની મદદથી 62 રન ફટકાર્યા

AUS Vs SA 3rd T20I: કાંગારૂં ટીમના વિસ્ફોટક બેટ્સમેન ગ્લેન મેક્સવેલની (62 રન અણનમ)ની તોફાની ઈનિંગ્સની મદદથી ઑસ્ટ્રેલિયાએ આજે રમાયેલી ત્રીજી અને અંતિમ T20 ઈન્ટરનેશનલ મેચમાં દક્ષિણ આફ્રિકાને 2 વિકેટે હરાવ્યું છે. આ જીત સાથે જ ઑસ્ટ્રેલિયાએ ત્રણ મેચની T20 સિરીઝ 2-1થી જીતી લીધી છે.

આજે ટૉસ હાર્યા બાદ પહેલા બેટિંગ કરવા ઉતરેલી દક્ષિણ આફ્રિકાની ટીમે નિર્ધારિત 20 ઑવરમાં 7 વિકેટે 172 રનનો સન્માનજનક સ્કોર ખડક્યો હતો. ઑસ્ટ્રેલિયાની ટીમે એક બોલ બાકી રહેતા 8 વિકેટ ગુમાવીને વિજયી લક્ષ્યાંક હાંસલ કર્યો હતો. બન્ને ટીમો વચ્ચે હવે 19 ઓગસ્ટથી 3 મેચની વન-ડે સિરીઝ રમાવાની છે.

દક્ષિણ આફ્રિકા તરફથી મળેલા 173 રનના તોતિંગ સ્કોરનો પીછો કરવા ઉતરેલી કાંગારુ ટીમને મિચેલ માર્શ અને ટ્રેવિસ હેડે શાનદાર શરૂઆત આપી હતી. જે બાદ દક્ષિણ આફ્રિકાની ટીમે એક પછી એક વિકેટ ખેરવીને મેચમાં વાપસી કરી હતી. બીજી તરફ એક છેડા પર રહેલ ગ્લેન મેક્સવેલ અડધી સદી પૂરી કરી.

આખરી ઑવરમાં ઑસ્ટ્રેલિયાની જીતવા માટે 10 રનની જરૂર હતી, જ્યારે ટીમની બે વિકેટો જ બચી હતી. જો કે મેક્સવેલે અંતિમ ઓવરના 5 બૉલમાં 10 રન બનાવીને ઓસ્ટ્રેલિયાને માત્ર મેચ જ નહી સિરીઝ પણ જીતાડી દીધી છે. પોતાની આક્રામક ઈનિંગ્સમાં મેક્સવેલે 36 બૉલમાં 8 ફૉર અને 6 સિક્સ ફટકારી હતી.

અગાઉ દક્ષિણ આફ્રિકા માટે ડેવાલ્ડ બ્રેવિસે 26 બોલમાં 53 રન બનાવ્યા હતા. બ્રેવિસ સિવાય રાસીવાન ડરે 38 રન, ટ્રિસ્ટન સ્ટબ્સે 25 રન અને લુઆન ડિ-પ્રીટોરિયસ 24 રનની ઈનિંગ્સ રમ્યા હતા. જ્યારે ઑસ્ટ્રેલિયા વતી નાથન એલિસે સૌથી વધુ 3 વિકેટ ઝડપી હતી.