Asia Cup 2025 Updates: એશિયા કપ 2025 આ વખતે ટી20 ફોર્મેટમાં રમાશે. જેના માટે ભારતીય ટીમની જાહેરાત 19 ઓગસ્ટે કરવામાં આવી હતી. આ ટીમમાં ઘણા મોટા ક્રિકેટરોને સ્થાન મળ્યું નથી, પરંતુ હર્ષિત રાણાને તક મળતા ઘણા સવાલો ઉભા થયા છે. સોશિયલ મીડિયા પર અને ક્રિકેટ જગતના દિગ્ગજો દ્વારા પણ તેની પસંદગી સામે પ્રતિક્રિયાઓ આપવામાં આવી રહી છે.
હર્ષિત રાણા ટીમમાં ક્યાંથી આવ્યો…
પૂર્વ ભારતીય ઓપનર અને ચીફ સિલેક્ટર કૃષ્ણમાચારી શ્રીકાંતે આ મુદ્દે સવાલ ઉઠાવ્યો હતો કે હર્ષિત રાણા ટીમમાં ક્યાંથી આવ્યો, તેનું IPLમાં પ્રદર્શન ખૂબ જ ખરાબ હતું. ઇકોનોમી રેટ પણ 10થી ઉપર હતો. તમે પ્રસિદ્ધ કૃષ્ણા અને મોહમ્મદ સિરાજને શું મેસેજ આપી રહ્યા છો?
યુટ્યુબ ચેનલ પર આકાશ ચોપરાએ પણ ટિપ્પણી કરી હતી કે હર્ષિત રાણાનો મામલો રસપ્રદ છે. તેનું છેલ્લું IPL પ્રદર્શન બિલકુલ સાધારણ રહ્યું. તેના નંબર એટલા મજબૂત નથી લાગતા કે તેને ટીમમાં સ્થાન મળવું જોઈએ. તેણે એ પણ યાદ અપાવ્યું કે રાણાએ શિવમ દુબેના સ્થાને કન્કશન સબસ્ટિટ્યુટ તરીકે T20 આંતરરાષ્ટ્રીય પદાર્પણ કર્યું હતું, જ્યાં તેણે ત્રણ વિકેટ લીધી હતી અને 'પ્લેયર ઓફ ધ મેચ' પણ બન્યો હતો.
IPL 2025માં કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR) માટે રમતા હર્ષિતે 13 મેચમાં 15 વિકેટ લીધી હતી. તેમનો સરેરાશ 29.86 અને ઇકોનોમી રેટ 10.18 હતો, જે ક્યાંયથી પણ સારો લાગતો નથી. આ વર્ષની શરૂઆતમાં, ઇંગ્લેન્ડ સામે પુણેમાં તેમણે ભારત માટે T20 ડેબ્યુ કર્યું હતું અને 33 રન આપીને 3 વિકેટ ઝડપી ભારતને જીત અપાવી હતી.
ગૌતમ ગંભીરનું કનેક્શન હોવાની શંકા
આવા તાજેતરના પ્રદર્શન છતાં તેમની ટીમમાં પસંદગી પર સવાલો ઉઠી રહ્યા છે, ખાસ કરીને ત્યારે જ્યારે શ્રેયસ અય્યર, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણા, વોશિંગ્ટન સુંદર, રિયાન પરાગ, યશસ્વી જયસ્વાલ અને રવિ બિશ્નોઈ જેવા ખેલાડીઓને ટીમમાં સ્થાન મળ્યું નથી. સોશિયલ મીડિયા પર ઘણા લોકોએ આ પાછળ ગૌતમ ગંભીરનું કનેક્શન હોવાની શંકા વ્યક્ત કરી છે.
ગંભીરની મેન્ટરશીપમાં લીધી હતી 19 વિકેટ
જ્યારે ગંભીર 2024માં KKR ટીમના મેન્ટર હતા અને ટીમને IPL ચેમ્પિયન બનાવી હતી, ત્યારે રાણાએ 13 મેચમાં 19 વિકેટ ઝડપી હતી. જોકે, તેમના તાજેતરના અને IPLમાં પણ સામાન્ય દેખાવને કારણે સવાલો ઉભા થયા છે કે તેમની એશિયા કપ 2025ની ટીમમાં કેવી રીતે એન્ટ્રી થઈ.