Cheteshwar Pujara: ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લેનારા ભારતના બેટ્સમેન ચેતેશ્વર પૂજારાએ આવનારી પેઢીને એક ખાસ સલાહ આપી છે. પૂજારા 2023 થી ટીમ ઈન્ડિયાની બહાર હતો અને વાપસી કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો જેમાં તે અસફળ રહ્યો. નિવૃત્તિ પછી, પૂજારાએ હવે દેશના યુવાનોને કારકિર્દી બનાવવાની ખાસ સલાહ આપી છે. ચેતેશ્વર પૂજારા ભારતના ટેસ્ટ નિષ્ણાત તરીકે જાણીતા હતા અને તેથી જ તે IPLમાં લાંબો સમય ટકી શક્યા નહીં. તેમનું IPL કારકિર્દી ખૂબ લાંબુ નહોતું. પૂજારાએ સ્વીકાર્યું કે આજના સમયમાં, ટેસ્ટ ક્રિકેટમાં પસંદગી પણ IPL પ્રદર્શનના આધારે કરવામાં આવે છે.
પૂજારાએ ખેલાડીઓને આપી સલાહ
પુજારાએ કહ્યું કે, તેમણે તેમની કારકિર્દીમાં ટેસ્ટ ક્રિકેટ પર વધુ ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. યુવાનોને સંદેશ આપતા આ પૂર્વ રાઈટ હેન્ડ બેટ્સમેનએ કહ્યું કે, સમય બદલાઈ રહ્યો છે અને તેથી યુવાનોએ ફક્ત ટેસ્ટ ક્રિકેટ પર ધ્યાન કેન્દ્રિત ન કરવું જોઈએ. ઈન્ડિયા ટુડેને આપેલા ઇન્ટરવ્યુમાં કહ્યું કે, "સાચું કહું તો, હું કોઈપણ યુવા ખેલાડીને ફક્ત ટેસ્ટ ક્રિકેટ પર ધ્યાન કેન્દ્રિત કરવાનું કહીશ નહીં કારણ કે સમય બદલાઈ રહ્યો છે. વ્હાઇટ બોલની રમતો ખૂબ જ લોકપ્રિય છે અને તમારે એવી બાબતો સ્વીકારવી પડશે તેનું ભવિષ્ય છે. ભવિષ્ય ચોક્કસપણે સફેદ બોલનું ટેસ્ટ સાથે છે."
ટેસ્ટ ક્રિકેટ વિશે કેમ આવું કહ્યું
T20 ની લોકપ્રિયતા પછી, ટેસ્ટ ક્રિકેટ સંકટમાં હોવાનું કહેવામાં આવી રહ્યું છે. જોકે, પૂજારા માને છે કે ટેસ્ટ ક્રિકેટ ક્યાંય જઈ રહ્યું નથી, તે રહેશે. પરંતુ ભારતની ટેસ્ટ ટીમમાં સ્થાન બનાવવા માટે, એક યુવાન છોકરાએ IPLમાં અથવા ભારત માટે ODI અને T20 માં સારું પ્રદર્શન કરવું પડશે. જો તમે સારા સફેદ બોલના ખેલાડી નથી, તો ટેસ્ટ ટીમમાં પસંદગી થવાની તમારી શક્યતા મર્યાદિત છે. કેટલાક અપવાદો હોઈ શકે છે. રણજી ટ્રોફીમાં ખૂબ સારું પ્રદર્શન કરનાર ખેલાડીની પસંદગી થઈ શકે છે, પરંતુ આવા કિસ્સાઓ દુર્લભ છે.