Dhanteras 2023 Shubh Muhurat Highlights: દિવાળીના તહેવારનો પ્રારંભ થઈ ગયો છે. આ વર્ષે દિવાળીના પર્વની ઉજવણી 9 નવેમ્બરથી 15 નવેમ્બર સુધી થશે, જેમાં 9 નવેમ્બરે રમા એકાદશી અને વાક બારસ, 10 નવેમ્બરે ધનતેરસ, 11 નવેમ્બરે કાળી ચૌદસ, 12 નવેમ્બરે દિવાળી એટલે કે લક્ષ્મી-ચોપડા પૂજન, 13 નવેમ્બરે પડતર દિવસ, 14 નવેમ્બરે નવું વર્ષ અને 15 નવેમ્બરે ભાઈ બીજની ઉજવણી થશે. આજે ધનતેરસ છે ત્યારે ખરીદી માટેનો શ્રેષ્ઠ દિવસ ગણાય છે. માન્યતા છે કે આ દિવસે સોના, ચાંદી, પીતળ, સાવરણી સહિતની ખરીદીથી ઘરમાં સુખ-સમૃદ્ધિનો વાસ થાય છે.

ધનતેરસના દિવસે લોટનો ચારમુખી દીવો કરો અથવા માટીના દીવાની આસપાસ વાટ મૂકો અને તેમાં સરસવનું તેલ ભરો. આ પછી, આ દીવો ઘરની દક્ષિણ દિશામાં મુખ રાખીને પ્રગટાવો. તેની સાથે આ મંત્રનો જાપ કરો. मृत्युनां दण्डपाशाभ्यां कालेन श्यामया सह। त्रयोदश्यां दीपदानात् सूर्यजः प्रीयतां मम्।
નોંધી લો પૂજાનું શુભ મુહૂર્ત- રાતે 9.10 વાગ્યાથી 10.46 વાગ્યાનું મુહુર્ત ધન પૂજન કરવા માટેનું શ્રેષ્ઠ મુહૂર્ત છે.
मृत्युना पाशहस्तेन कालेन भार्यया सह। त्रयोदश्यां दीपदानात्सूर्यज: प्रीयतामिति।।
ધનતેરસના પવિત્ર તહેવાર પર ગણેશજી, માં લક્ષ્મી અને ભગવાન કુબેરની પૂજા કરવામાં આવે છે. ભગવાન ગણેશ અને માતા લક્ષ્મીની તસવીર કે મૂર્તિ રાખવા માટે તમારે લાકડાનો બાજોઠ રાખવો જોઈએ. જે બાદ બાજોઠ પર લાલ કે પીળા રંગનું કપડું પાથરવું. પૂજા સ્થળને શુદ્ધ કરવા માટે ગંગાજળ રાખવું. ભગવાનની સામે કુલ 13 દિવા કરવા જોઈએ.
બાજોઠ, બાજોઠની જગ્યાએ સ્વસ્તિક કરવા માટે કંકુ, ચોખા (અક્ષત), બાજોઠ પર પાથરવા માટે લાલ-પીળું વસ્ત્ર, ગંગાજળ, ભગવાનની તસવીર કે મૂર્તિ (માં લક્ષ્મી, ગણેશજી, કુબેર, ધનવંતરિ અને યમરાજની તસવીર કે મૂર્તિ), પૂજાની થાળી, સોપારી, કુબેર યંત્ર (ઈચ્છામુજબ), કળશ, નાડાછડી, માટીના દીપક, સરસવનું તેલ, માટીના 13 દીપક, સિક્કા, ગોળ કે સાકર, ચંદન, કંકુ અને હળદર, અબીલ, ગુલાલ, લાલ-પીળા પુષ્પ, ફુલનો હાર, કમળનું ફુલ, અગરબત્તી, ફળ, મિઠાઈ, પાન, ક્ષમતામુજબ દક્ષિણા, કર્પૂર.
પ્રાતઃ સ્નાન કરીને આસન લઈને મંદિરની સામે બેસી જવું. જે બાદ જમણા હાથમાં જળ લઈને તેણે પોતાના પર છાંટવું અને આજુબાજુની જગ્યા શુદ્ધ કરવી. એક બાજોઠ પર લાલ કપડું પાથરવું અને કુબેર દેવની સ્થાપના કરવી. કુબેર દેવની તસવીર પણ બાજોઠ પર મુકી શકાય છે. કંકુથી લાલ કપડા પર સ્વસ્તિકનું ચિન્હ બનાવવું. જે બાદ સ્વસ્તિક પર ચોખા, ફુલ અને ફળ રાખીને અર્પિત કરવા. કુબેર દેવને નાડાછડી વસ્ત્ર તરીકે અર્પણ કરવા. કુબેર દેવને શ્રદ્ધા અને ક્ષમતા મુજબ આભૂષણ અર્પિત કરો. આભૂષણ નથી તો શ્રીફળ ધરાવી શકાય છે. કુબેર દેવને કમળનું પુષ્પ અર્પણ કરવું. કુબેર દેવ સમક્ષ અગરબતી, દીપ, નૈવેધ ચઢાવવા. કુબેર દેવને મિષ્ઠાનનો ભોગ ચઢાવવો. કુબેર દેવના મંત્રનો જાપ કરવો અને આરતી ઉતારવી. ભોગને પ્રસાદ તરીકે વિતરણ કરવું.
ધનતેરસના દિવસે સોના-ચાંદી ઉપરાંત વાસણ, વાહન અને કુબેર યંત્ર ખરીદવાનું શુભ ગણાય છે. આ ઉપરાંત સાવરણીની ખરીદી શુભ ગણાય છે. માન્યતા છે કે આજના દિવસે સાવરણી ખરીદવાથી માં લક્ષ્મીની કૃપા રહે છે. તો ધનતેરસના દિવસે જો કોઈ કિંમતી વસ્તુ ખરીદી ન શકાય તો આખા ધાણા ઘરે જરુરથી લાવો. માન્યતા છે કે તેનાથી ધનની અછત નથી સર્જાતી. આ ઉપરાંત ગોમતી ચક્ર પણ ખરીદી શકો છે,તેનાથી માં લક્ષ્મી પ્રસન્ન રહે છે.
ધનતેરસના દિવસે કેટલીક વસ્તુઓની ખરીદી શુભ નથી ગણાતી. તેથી આજના દિવસે કાળા રંગના કપડા, લોખંડમાંથી બનાવેલી વસ્તુ, પ્લાસ્ટિક જેવી વસ્તુઓની ખરીદી ટાળવી જોઈએ. આ ઉપરાંત ધનતેરસના શુભ અવસરે કાચ કે કાચની વસ્તુઓ બિલકુલ ન ખરીદવી જોઈએ. જયોતિષ શાસ્ત્ર મુજબ ધનતેરસના દિવેસ કોઈ પણ સિરામિક કે બોન ચાઈના વસ્તુની પણ ખરીદી ન કરવી જોઈએ.
ધનતેરસના શુભ મુહૂર્તમાં વાસણ અને સોના-ચાંદી ઉપરાંત વાહન, જમીન, મિલકતની ડીલ, લક્ઝરી વસ્તુઓ અને ઘરમાં કામ આવતી અન્ય ચીજ વસ્તુઓની ખરીદી શુભ ગણાય છે. માન્યતા છે કે ધનતેરસના દિવસે ખરીદવામાં આવેલી ચલ-અચલ સંપત્તિમાં 13 ગણી વૃદ્ધિ થાય છે.